જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાએ ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું હતું.
મંત્રીએ જણાવ્યુ હતું કે, રૂ.૭ કરોડ ૪૧લાખના ખર્ચે આ કામ થવાથી દરિયાનું ખારું પાણી જમીનતળમાં પ્રસરતું રોકી શકાશે. તથા જમીનતળમાં મીઠા પાણીનો સંગ્રહ થઇ શકશે. ઉપરાંત આજુબાજુના ૧૦ જેટલા ગામડાઓના ખેડૂતોને સિંચાઈનો વર્ષ દરમિયાન લાંબા સમય સુધી લાભ મળશે. સરકાર દ્વારા દરિયાનું ખારું પાણી જમીનમાં ફેલાતું અટકે તે માટે તથા વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે અનેક પગલા લેવામાં આવ્યા છે.
સરકાર દ્વારા હાલ કેચ ધ રેઇન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે તેમજ કુદરતી જળ સંશાધનોને સુદ્રઢ કરવા માટેનો આ ખૂબજ મહત્વનો અભિગમ છે. વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઇ શકે તે હેતુથી વિવિધ વિભાગો દ્વારા જળ સંચય, જળ સંગ્રહ માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જીલ્લા પંચાયતના સદસ્યો કે.બી.ગાગિયા, વિઠ્ઠલભાઈ કણજારીયા, એપીએમસીના ચેરમેન કાનાભાઈ આંબલીયા,પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરિયા, અગ્રણીઓ ભુપેન્દ્રસિંહ, વિનુભાઈ વારોતરીયા, ભરતભાઈ ચાવડા,ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.