અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ આજથી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષે છે. આ સાયન્સ સિટીમાં હવે વધુ એક નવું નજરાણું ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’નો પ્રારંભ થઇ રહ્યો છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટી, અમદાવાદમાં એક નવીનત્તમ ગેલેરી, ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ ૧૫ મે ૨૦૨૫થી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવનાર છે. સૌરમંડળની દિવ્ય રચના ઉપર આધારિત આ ગેલેરી એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતીસભર બની રહેશે.
આ અવસરે સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાયન્સ સિટી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
સાયન્સ સિટી સ્થિત એક્વેરિયમ, રોબોટિક ગેલેરીની ભવ્ય સફળતા બાદ આજે ત્રીજી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ ગેલેરી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ ગેલેરીમાં ભારતનું વિશેષ યોગદાન દર્શાવવામાં આવ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે માટે મુખ્યમંત્રીની સૂચનાથી ૧૫ મે ગુરુવારના રોજથી મુલાકાતીઓ માટે આ ગેલેરી ખુલ્લી મૂકવામાં આવશે, જેથી કરીને વેકેશનના સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો લાભ લઈ શકે.
વધુમાં મોના ખંધારે આ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની વિશેષતા અને મહત્ત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વિશેષ એક્ટિવિટી અને ૩- ડી ફિલ્મનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લખનીય છે કે, કુલ ૧૨,૭૯૭ ચોરસ મીટરના વિસ્તારમાં આવેલી આ ગેલેરીમાં મધ્યમાં સૂર્યનું પ્રતિનિધિત્વ કરતો, ત્રણ માળ જેટલો ઊંચો વિશાળ ગ્લોબ આવેલો છે, જેની ફરતે અન્ય ગ્રહોની ગોઠવણ પણ જોઈ શકાય છે. ત્રણ માળની બનેલી આ ગેલેરીમાં છ મુખ્ય વિભાગો આવેલા છે. આ સાથે ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી વિભાગમાં ૪૭ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે, જે એસ્ટ્રોનોમીના મૂળ સિદ્ધાંતો અને તેના ઇતિહાસની માહિતી આપે છે.
પ્રેઝન્ટ ગેલેરી વિભાગમાં વર્તમાન સમયને અનુલક્ષીને અવકાશ મિશન અને તેને લગતી શોધોના ૩૦ જેટલા વિવિધ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે ફ્યુચર ગેલેરી વિભાગમાં સંશોધનના ભાવિ દૃષ્ટિકોણને ખ્યાલમાં રાખી ૨૪ એક્ઝિબિટ્સ બનાવવામાં આવ્યાં છે.
બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું આકર્ષક સ્થળ બનશે ભારતના એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સના યોગદાનને ધ્યાને રાખી ખાસ વિજ્ઞાન ગેલેરી પણ બનાવવામાં આવી છે, જેમાં વિવિધ ૩૨ એક્ઝિબિટ્સનો સમાવેશ થાય છે. સ્ટેરલર ગેલેરીમાં વિવિધ તારાઓ અને તારામંડળોની રચનાની માહિતી આપતા ૮ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. સાથે-સાથે વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરીમાં અવકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ કરાવતા ૪ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર એટ્રિયમ આધારિત અને ૬ આઉટડોર ઈન્સ્ટોલેશન પણ મુલાકાતીઓને યુનિક અનુભવ આપશે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા ઊભી કરવામાં આવેલી આ ગેલેરીમાં વૈજ્ઞાનિક માહિતી તેમજ વિઝ્યુઅલ દ્વારા નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું સ્થળ બનશે.
ગેલેરીની મુખ્ય વિશેષતાઓ
૧૭૨ બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ, જે દેશનો એકમાત્ર ઊંચો પ્લેનેટેરિયમ છે. આ સાથે ૨૪ ઇંચ ટેલિસ્કોપ યુક્ત ઓબ્ઝર્વેટરી ડોમ, જેમાં ૩૬૦-ડિગ્રી વ્યૂઈંગ અને અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો ઉપલબ્ધ છે.આ ઉપરાંત ૬.૫ મીટર વ્યાસ ધરાવતો વિશ્વનો સૌથી મોટો મિકેનિકલ ઓરરી મુકાયો છે, જે ગ્રહોની ગતિને દર્શાવે છે.