ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક અનુરાગ ગર્ગએ રાજભવન-ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલએ ‘નશામુક્ત ગુજરાત’ અંગે ગર્ગ સાથે ગહન ચિંતન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૂચવ્યું કે, સમાજમાં નશામુક્તિની જાગૃતિ માટે જે લોકોએ નશામાંથી બહાર આવીને આદર્શ પ્રસ્થાપિત કર્યું છે, તેમને સમાજ સામે લાવી લોકોમાં જાગૃતતા ફેલાવવા પ્રયત્ન કરવા જોઈએ. આ ઉપરાંત સમાજના શ્રેષ્ઠીઓ, મહાનુભાવો, કલાકારો, અભિનેતાઓ, લોકકલાકારો, ધર્મગુરુઓ જેવા સમાજ પર વિશેષ પ્રભાવ પાડતા લોકોએ પણ નશામુક્ત અભિયાનમાં સહભાગી થવું જોઈએ.
રાજ્યપાલએ વધુમાં કહ્યું કે, રાજ્યની યુવા પેઢી બરબાદ ના થાય તે માટે રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે વિચાર-વિમર્શ કરી યુવા પેઢીને નશામુક્ત બનાવવા સઘન પ્રયાસ કરવામાં આવશે.
નશીલા પદાર્થોનું સેવન કરતા યુવાનો પરિવાર, સમાજ અને દેશ માટે બિનઉપયોગી બનતા જાય છે, માટે યુવા પેઢીને પરિવાર, સમાજ અને દેશહિતાર્થે નશાનો ત્યાગ કરવા રાજ્યપાલએ અપીલ કરી છે.
આ તકે અનુરાગ ગર્ગએ રાજ્યપાલને વિનંતી સહ જણાવ્યું કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા દાખલ કરવામાં આવતા કેસ અંતર્ગત ત્વરિત સજા ફટકારવામાં આવે તે માટે રાજ્ય સ્તરે અમદાવાદ ખાતે ડેજીગ્નેટેડ કોર્ટ શરૂ કરવામાં આવે, તો નશાનો વ્યાપાર કરનાર વ્યક્તિને ઝડપી સજા આપી શકાય તેમ છે.