પાટણ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના પાટણ જિલ્લાના સભ્ય તરીકે પાટણ જિલ્લાના જાણીતા વકીલ (એડવોકેટ એન્ડ નોટરી) અને બાલીસણા ગામના વતની પીનલકુમાર સોમાભાઈ પટેલની નિમણુક કરવામાં આવી છે. પીનલભાઈ પટેલની આ નિમણુકથી વકીલ મિત્રો, મિત્ર વર્તુળ બાલીસણા ગામ અને તેમના સગા સંબંધીઓ સહિત સમગ્ર જિલ્લામાં હર્ષની લાગણી ફેલાઇ છે.
જુવેનાઇલ જસ્ટીસ (બાળકોની કાળજી અને રક્ષણ) અધિનિયમ, ૨૦૧૫ (૨ ના ૨૦૧૬) ની કલમ ૪ માં કરેલ જોગવાઈ મુજબ ગુજરાત સરકાર દ્વારા જિલ્લાઓમાં (દરેક જિલ્લા દીઠ એક) જુવેનાઈલ જસ્ટીસ બોર્ડની રચના કરવામાં આવે છે. જેમાં ૨૬ જિલ્લાઓમાં કાર્યરત સમિતિઓમાં ખાલી પડેલ સભ્યોના હોદ્દા પર જિલ્લાવાર નિમણૂક કરવામાં આવી છે. તેઓના હોદ્દાની મુદ્દત વધુમાં વધુ ત્રણ વર્ષ રહેશે. પાટણ જિલ્લામાં પીનલ કુમાર સોમાભાઈ પટેલ અને એક મહિલા સભ્ય જયશ્રી બેન લીલાધર ભાઈ દેસાઈ ની નિમણુક કરવામાં આવી છે.
બાલીસણા ગામના વતની અને પાટણ જિલ્લાની બાળ કલ્યાણ સમિતિના પૂર્વ સભ્યશ્રી પીનલકુમાર સોમાભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીના પ્રણેતા પણ છે. તેઓ સામાજિક અને સેવાકીય કાર્યોમાં હમેશાં અગ્રેસર હોય છે. ગુજરાત સરકારના પાટણ જિલ્લામાં કાર્યરત જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં સભ્ય તરીકે તેમની ગુજરાત સરકાર દ્વારા નિમણુક કરવામાં આવતાં જિલ્લામાં આનંદની લાગણી ફેલાઇ છે.