આજુબાજુના ગામના અગ્રણીઓ દ્વારા તાલુકાનું વિભાજન થાય તો મધ્ય કેન્દ્ર બિંદુ માં રાખવાની માંગ સાથે અપાયું આવેદનપત્ર
એબીએનએસ, ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા આપવામા આવેલ દરખાસ્ત સરકારમાં નામંજૂર થાય અને ગુંદી અલગ તાલુકો ન બને તેવી તમામ 33 ગામોના અગ્રણીઓની માંગ ઉઠવા પામી છે.
ગુજરાતમાં એક તરફ નવા જિલ્લા અને તાલુકાને અલગ કરવાની જાહેરાત કરવામાં આવી રહ છે. ત્યારે કાલોલ તાલુકાના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા ગુંદી ગામને તાલુકો અલગ બનાવવાની માંગ સામે વિરોધ કરાવામાં આવી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના, ગોધરા ઘોઘંબા અને દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ગામોને સમાવેશ કરી નવા તાલુકાની રચના કરવા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રજુઆત કરી છે
તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કેટલાક ગામના અગ્રણીઓ દ્વારા તાલુકા મથક રીંછવાણી કે દામાવાવ રાખવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે. આ સમગ્ર મુદ્દે ઘોઘંબા તાલુકાના શનિયાડા ખાતે ગોઘરા અને ઘોઘંબા તાલુકાના કેટલાક ગામના રાજકીય અને સામાજિક આગેવાનોએ બેઠક યોજી જરૂરી ચર્ચા કરી હતી અને જો તાલુકાનું વિભાજન કરવામાં આવે તો પોતાનું સમર્થન દામાવાવ કે રીંછવાણી તાલુકા મથક માટે આપવામાં આવશે
અન્યથા ઘોઘંબા તાલુકા મથક જ યથાવત રાખવામાં આવે. જો લોકોની માંગ સંતોષવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજુઆત કરવામાં આવશે એવો મત અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યા છે. હાલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાલોલ ધારાસભ્યની દરખાસ્ત અન્વયે સંભવિત નવીન તાલુકામાં સમાવેશ થતાં ઘોઘંબા, ગોધરા અને દેવગઢ બારીયા તાલુકાના ૮૨ ગામની સંલગ્ર ગ્રામ પંચાયતને સાત દિવસમાં ઠરાવ કરવા અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો.
બીજી તરફ ઘોઘંબા, ગોધરા અને દેવગઢ બારીયા તાલુકાના ૮૨ ગામોને જોડી નવીન ગુંદી તાલુકો બનાવવાના વિરોધમાં 33 ગામના લોકો દ્વારા જિલ્લા કલેકટર, ડી.ડી.ઓ, નાયાબ મામલદાર- ઘોઘંબા, ટી.ડી.ઓ – ઘોઘંબાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દામાવાવ, રીંછવાણી સહિત આજુબાજુના ગામના અગ્રણીઓએ શનિયાડા ગામે બેઠક યોજવામાં આવી હતી તે બાદ જો નવા તાલુકાનું વિભાજન કરવામાં આવે તો મુખ્ય મથક કેન્દ્ર બિંદુમાં રાખવામાં આવે એવી માંગ કરી હતી. વધુમાં ગુંદી છેવાડાનું ગામ હોવાથી તેની જગ્યાએ દામાવાવ, રીંછવાણી કે સીમલિયાને તાલુકા મથકનો દરજ્જો આપવાની માંગણી લોકો દ્વારા કરવામાં આવી રહી છે.