જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483માં સ્થાપના દિન નિમિત્તે હેરિટેજ વોક અને ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું. JMC દ્વારા આયોજિત હેરીટેજ વોકમાં બહોળા પ્રમાણમાં સંસ્થાઓ ,સંગઠનો સરકારી ,ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483મા સ્થાપના દિન નિમિત્તે આજે સવારે સાત વાગ્યે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વોકમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી , મેયર બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ વિવિધ સંસ્થાઓ, શાળાઓના બાળકો બહોળા પ્રમાણમાં જોડાયા હતા. આશરે 3 હજારથી વધુ શહેરની વિવિધ સંસ્થાઓ, શાળાઓના બાળકો-લોકો આ વોકમાં જોડાયા હતા.
આ હેરિટેજ વોકનું પ્રસ્થાન શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી દ્વારા ખંભાળિયા ગેટથી કરાવ્યું હતું. હાથોમાં તિરંગા સાથેની આ હેરિટેજ વોક ભુજીયા કોઠા થઈ લાખોટા તળાવ થઈ ગેટ નંબર 8 થી પ્રવેશ કરી જામ રણજીતસિંહજીની પ્રતિમા ખાતે જઇ ગેટ નંબર 6 થી ખંભાળિયા ચોક ખાતે જ્યાં મેયર, કમિશ્નર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમા ફુલહાર કર્યા બાદ દરબાર ગઢ ખાતે પહોંચી હતી. જામનગરના દરબાર ગઢના સર્કલ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ અને શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રગાન બાદ આ હેરિટેજ વોક પૂર્ણ થઈ હતી.
હેરિટેજ વોકની પુર્ણાહુતી બાદ દિલાવર સાયકલ સ્ટોર ખાતે જામનગરના 483માં સ્થાપના દિન નિમિત્તેના પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું. આ ખાંભી પૂજનના મુખ્ય યજમાન મેયર બીનાબેન કોઠારી રહ્યા હતા. તેઓએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પૂર્વક દિલાવર સાયકલ સ્ટોર ખાતે આવેલ જામનગરની સ્થાપના થયેલ ખાંભીનું પૂજન કર્યું હતું .
આ કાર્યક્રમમાં કમિશનર વિજય કુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી ,નાયબ કમિશનર એ.કે.વસ્તાણી, આસિસ્ટન્ટ કમિશનર બી.જે.પંડ્યા, સિવિલ શાખાના સિટી એન્જિનિયર ભાવેશ જાની, સ્ટે. ચેરમેન મનીષ કટારીયા ડે.મેયર તપન પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, નોડલ ઓફિસર અને હાઉસિંગ વિભાગના ઇજનેર અશોક જોષી , સ્પોર્ટ્સ મેનેજર કે.સી.મહેતા, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા મહામંત્રી રેખાબેન વેગડ , શહેર ઉપાધ્યક્ષ ધરતીબેન ઉમરાણીયા , જિલ્લા યોગકોચ પ્રીતિબેન શુક્લા, રાજહંસ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ મેમ્બર અમીબેન પરીખ, તમામ વોર્ડના કોર્પોરેટરો, યુસીડી વિભાગના મેનેજરો, સમાજ સંગઠકો, પુરાતત્વ વિભાગના ક્યુરેટર સહિત મહાનુભાવો હેરિટેજ વોક અને ખાંભી પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને જામનાગરવાસીઓ સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.