Latest

અમદાવાદ ખાતે આર્ટિસ્ટ હર્ષા લાખાણીની કૃતિઓનું પ્રદર્શન – ‘વોયેજ ઓફ રિધમ્સ’ યોજાયું

અમદાવાદ: કલામાં 30 વર્ષની સફરની ઉજવણી કરી રહેલા સ્વ-શિક્ષિત આર્ટિસ્ટ હર્ષા લાખાણીનું સોલો આર્ટ પ્રદર્શન અમદાવાદના લોગાર્ડન ખાતે રવિશંકર રાવલ કલા ભવનમાં ખુલ્લું મુકવામાં આવ્યું. કલાપ્રેમીઓ આ સોલો આર્ટ પ્રદર્શન તારીખ 19મી ડિસેમ્બર 2022 સુધી માણી શકાશે.

હર્ષા લાખાણી ગુજરાતના વડોદરા સ્થિત સ્વ-શિક્ષિત કલાકાર છે. તેમણે શરીરરચના, વસ્તુઓ અને પ્રતિકવાદની શ્રેણી સાથે લયબદ્ધ રેખાઓનું મિશ્રણ કરીને તેની વિશિષ્ટ દ્રશ્ય ભાષા વિકસાવી છે જેની ઝલક તેમના ચિત્રોમાં સ્પષ્ટપણે વર્તાય છે.

તેમની કૃતિઓમાં સ્ત્રીઓના જીવનના અનેકવિધ રંગો અને તેમની સામાજિક સ્થિતિ, રોજિંદા અવલોકનોના આધારે દર્શાવવામાં આવી છે. તેમના ચિત્રોમાં સ્ત્રીઓની ખુશીઓ, તેમની સમસ્યાઓ, તેમના પ્રશ્નો વગેરેને એક આગવા પ્રકારમાં વણી લઈને રજૂ કરવામાં આવી છે. આ કૃતિઓમાં એક સર્જનાત્મક કલાકારની પોતાની આસપાસના વાતાવરણમાં રહેલ સંવેદનશીલતાની ઝાંખી દેખાય છે જે વિશ્વને જોવાના તેમના અનન્ય પરિપ્રેક્ષ્યની સાબિતી આપે છે. આ કળા પ્રદર્શનમાં સ્ત્રીજીવનના વિવિધ ચિત્રોમાં જોવા મળતા સ્ત્રીના રોજબરોજના સંઘર્ષનું બુદ્ધિગમ્ય ચિત્રણ કલાપ્રેમી દર્શકોને આકર્ષે છે.

કોન્ટૂર પેઇન્ટિંગ પ્રકારના ચિત્રોની ડાબી અને જમણી બાજુઓ વચ્ચે જોવા મળતો વિરોધાભાસ શ્રી હર્ષા લાખાણીના ચિત્રોને વિશિષ્ટ બનાવે છે. દરેક બાજુએ વિવિધ પ્રકારના માનવ આકાર, દિશાસૂચક રેખાઓ, ભૌમિતિક આકારો અને આકારહીન કાર્બનિક સ્વરૂપો વડે બનેલા ચિત્રોમાં દ્રશ્ય સંતુલનની લાગણી જાળવી રાખીને બનાવેલા ચિત્રો કલાના મૂળભૂત સિદ્ધાંતોને સુપેરે ન્યાય આપતા જણાય છે.

હાલમાં વડોદરા સ્થિત હર્ષા લાખાણીએ કલાનગરી વડોદરા ખાતે પદ્મ વિભૂષણ શ્રી કે.જી.સુબ્રમણ્યન, પદ્મશ્રી શ્રી જ્યોતિ ભટ્ટ, શ્રી વિનોદ શાહ, શ્રી જેરામ પટેલ, શ્રી રમેશ પંડ્યા, મહારાજા શ્રી રણજીતસિંહ ગાયકવાડ જેવા માસ્ટર કલાકારો પાસેથી કલાની તાલીમ પામ્યાં છે..

હર્ષા લાખાણીએ અસંખ્ય આર્ટ વર્કશોપ તેમજ દિલ્હી, જૂનાગઢ, વડોદરા, અમદાવાદ, પુણે, મુંબઈ, પોંડિચેરી, જયપુર અને સુરતમાં યોજાયેલા પ્રદર્શનોમાં ભાગ લીધો છે.

રવિશંકર રાવલ કલા ભવન ખાતે આ સોલો આર્ટ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે આંતરરાષ્ટ્રીય કલાકાર શ્રી રાજેન્દ્ર પી. ડીંડોરકર, સર્જન આર્ટ ગેલેરી-વડોદરાના સ્થાપક અધ્યક્ષ શ્રી હિતેશ રાણા , કલા પ્રતિષ્ઠાન- સુરતના ચેરમેન શ્રી રમણીક ઝાપડીયા , શેઠ સી.એન. ફાઇન આર્ટસ કોલેજના આચાર્ય શ્રી મનહર કાપડીયા,આંતરરાષ્ટ્રીય શિલ્પ કલાકાર શ્રી રતિલાલ કાસોદરિયા, જીપીએસસીના પૂર્વ ચેરમેન શ્રી દિનેશ દાસા સહિત કલાપ્રેમીઓ અને કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *