તખુભાઈ સાંડસુર
માનવના શરીરના રોગોની સંખ્યા તેના અવ્વલ એવા અવગુણો જેટલી જ હશે તેમ માની શકાય. સંભવ છે કે કેટલાક શરીરદોષ આજે ય વણઓળખાયેલા રહ્યાં હોય! તે જ રીતે જગતમાં જ્યાં પણ માણસ વિહરે છે તે અર્થ- અનર્થ, સત્ય -અસત્ય વચ્ચેનો ભેદ જાણતાં હોવા છતાં હંમેશા બીજા ક્રમને સ્પર્શ કરે છે.તે પસંદગી કદાચ તેમના માટે સુગર કોટેડ જરૂર હશે, પરંતુ અંદરનું રસાયણ એ કોઈ ઔષધી નહીં હોય, પરંતુ ઉપાધિ હશે.
શેરીમાંથી પસાર થતું શ્રેષ્ઠત્વ ઓટલા ઉપર પડેલી આળસ અને અકર્મણ્યતાને રાસ આવતી નથી.સૂરજને ઉદય થતો અટકાવવાની સમર્થતા કોઈનામાં નથી તો પણ તેની સામે પડદા મુકનારા કે કાળા કફનથી ઢાંકવાની કોશિશ કરનારા માણસો મળે છે.
પણ એવું કોઈ પ્રાણી તમને પૃથ્વી ઉપર વિચલિત થતું નહીં દેખાય કારણ કે તે માણસ છે.અન્ય સજીવ એ કોઈ પણ પ્રકારની બૌદ્ધિક ચતુરાઈના આશરે નથી.ગામના ઓટલાઓ હંમેશા દ્વેષપૂર્ણ, ડંખીલા લંકાવાસીઓની પ્રતીક્ષામાં રહે છે કે જ્યાં વિભીષણનું મૂલ્ય અંકિત કરી શકાતું નથી.તેથી કદાચ તે બધા જ તેના કર્મોનું ફળ હનુમંતત્વ એ પ્રગટાવેલી અગનજ્વાળાથી આહુત થઈને ચીચીયારીઓ પાડી તડફડીને પ્રાણ છોડતાં હોય છે.
આજે હવે એક નવો ઓટલો ઉમેરાઈ ગયો છે અને એ છે સોશિયલ મીડિયા. સુગંધના પુમડાને અડવા કોઈ નહીં આવે પરંતુ કાદવનો લોંદો જેવો ઘા કરશો એટલે તેને શેર કરનારા, કમેન્ટ કરનારા ભરભેટ મળી રહેશે.
આ બધું સ્વીકારીને ખંખેરી નાખનારાઓ મોજથી મરજીવા થઈને મોં ફાટ જીવે છે.કકળાટ, કંકાસ,કુંથલી ઓઢીને સુનારા ઉભા થવા કોશિશ પણ કરવાની હિંમત દાખવી શકતા નથી.વળી તેમાથી મશહૂર કે મોટાં થવાની મથામણ કરનારની નવી ફોજ ઉમેરાઈ છે.જફર ગોરખપુરી એટલે તો કહે છે.
‘કિતની આસાની સે મશહૂર કિયા હૈ ખુદ કો મૈંને અપને સે બડે શખ્સ કો ગાલી દેકર’
એવું કહેવાય છે કે રોગ બે પ્રકારના છે એક તનનો અને બીજો મનનો રોગ છે.કોઈપણ રોગનું પ્રવેશદ્વાર શરીર તો છે જ પરંતુ પરોક્ષ રીતે તે મનથી પહેલાં એન્ટ્રી કરે છે.
કદાચ વિજ્ઞાન તેના સુધી હજુ પહોંચ્યું નહીં હોય અને જો પહોંચે તો એ સિદ્ધ પણ થઈ શકે કે કોઈપણના મનમાં ચાલતા નકારાત્મક અને હકારાત્મક વિચારો તેના શરીર પર અસરકર્તા બને છે કે કેમ!? મનના વિકારો એ તનના વિકારોમાં જ્યારે પરિવર્તિત થાય ત્યારે રોગ દેખા દેતો હોય છે. સાપ્રંત યુગ જે રીતે ‘બુદ્ધિ બલમ’નો વાડો બન્યો છે ત્યારે આપણી પાસે મનને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા બહુ ઓછા ઉપાયો છે.
તેમાં સૌથી મોટો ઉપાય મનનો ખાલીપો, શૂન્યતા. જે તમને બધી જ રીતે ઉપયોગી થશે.કોઈના દ્વેષ કે ટીકાથી તમે તેને નુકસાન નહીં કરી શકો.પરંતુ પાંચમાંથી ચાર આંગળીઓ તમારા તરફ આવશે અને તમારું શરીર વિકારરુપ થઈને પીડા આપશે.એક દાખલો આપું,મારે શાળાએ જવા રોજ એક જગ્યાએથી પસાર થવાનું થાય.
વચ્ચે વૃદ્ધ ઓટલે બેઠાં હોય અને હું શિક્ષકની સરકારી નોકરી કરું છું તે જાણે તેથી હાથ ઉંચો કરી મારી મોટરસાયકલ ઉભી રખાવે અથવા હું ઉભો રહું.અને કોઈ આડાઅવળા પ્રશ્ર્ન વગર પહેલુ જ પુંછે.” કેટલો પગાર મળે છે ?”હું ટીખળી તેથી આંકડો મોટો આંકડો કહું.અને પછી તેનાં ચહેરાનો ભાવ બદલાઈ જાય.
તે જાણે તેનાંથી ખૂબ દુઃખી વ્યથિત થઈ જાય.ફરી પાછા એ ભૂલી જાય કે મેં એમને થોડા દિવસ પહેલા જ પૂછ્યું હતું. ફરી પાછું મને પૂછે હું એ જ વાત દોહરાવું.પછી તો એ રોજીંદુ થયું.
પણ તેનાથી તેની મધુપ્રમેહની બીમારી વધતી હતી તે મેં અનુભવ્યું.ધીમે ધીમે તેનો મધુપ્રમેહ એટલી હદે વધી ગયો કે તેમનો એક પગ પછી પસ અને પરુથી લથબથ રહેવા લાગ્યા.પછી તેમણે ઘરની બહાર આવવાનું પણ છોડી દીધું.
હું તેમના ઘેર જઈ આવ્યો.આખરે ઘણી પીડાઓ ભોગવીને તે શરીરથી મુક્ત થયાં.એ અનુભવ કર્યો કે તેમનો એ દ્વેષ કે કુથલીનો સ્વભાવ તેમને મન ઉપર તો અસર કરતા હતાં.એટલુ જ નહીં સમગ્ર શરીરને પણ કોરી ખાતા હતા.મનથી દાખલ થતાં આવા રોગો ડાયાબિટીસ,ઉચ્ચ રક્તચાપ,સિઝોફેનિયા વગેરેનું પ્રમાણ વધી રહ્યું છે.
આવો, સૌનું કલ્યાણથી સ્વ કલ્યાણ,સર્વ મંગલથી સ્વ મંગલની યાત્રા કરતાં રહીએ.આ સિદ્ધાંતને અનુસરીને દ્વેષમુક્ત થઈ અને દોઝખથી બચી જઈએ.