જામનગર, સંજીવ રાજપૂત: હાલ ગરમીના કારણે જિલ્લાના જામનગર એસ.ટી.ડેપો તથા અન્ય તાલુકા કક્ષાના બસ સ્ટેશન ખાતેથી આવાગમન કરતા મુસાફરોને રાહત મળે તેમજ કોઈ મુસાફરને લૂ ની અસર ન થાય તે હેતુથી એસ.ટી.વિભાગ જામનગરના વિભાગીય નિયામક બી.સી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી. ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં એસ.ટી. વિભાગના કર્મચારીઓ તથા એસ.ટી. કેન્ટીનનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.અસહ્ય ગરમીમાં આ પ્રકારના આયોજન બદલ મુસાફરોએ પણ એસ.ટી. વિભાગની આ નવતર પહેલે આવકારી સંતોષ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લાના લોકોને લૂ થી રક્ષણ મળે અને તેઓ સલામત રહે તે માટે જિલ્લાના વિવિધ વિભાગોને સૂચના અપાઈ હતી
જેના અનુસંધાને જામનગર એસ.ટી.વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુસાફરોને ગરમીથી રાહત આપતા છાસ વિતરણના નવતર કાર્યક્રમનું આયોજન ઘડી કાઢ્યું છે અને આગામી સમયમાં પણ આ કાર્યક્રમ શરૂ રખાશે તેમ જણાવ્યું છે.