એબીએનએસ, ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા જિલ્લાના ગોધરામાં આવેલ સરકારી આઇ.ટી.આઇ, ગોધરા ખાતે યોજાયેલ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળામાં કુલ ૫૭૧ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
આ ભરતી મેળામાં પંચમહાલ, વડોદરા અને અમદાવાદ જિલ્લાના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની કુલ ૨૧ નોકરીદાતા કંપનીઓ દ્વારા ૮૫૦ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ ભરતી મેળામાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા,ગોધરા તથા પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, ગોધરાના પ્રતિનિધિઓ અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના કેરિયર કાઉન્સેલર પ્લેસમેન્ટ અધિકારી પ્રશાંતભાઇ રાણા દ્વારા ઉમેદવારોને એપ્રન્ટીસશીપ યોજના , અનુબંધમ પોર્ટલ , એન.સી.એસ પોર્ટલ તથા રોજગાર અને સ્વરોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા ૭૫૦ જેટલાં હાજર ઉમેદવારો પૈકી ૫૭૧ ઉમેદવારોની ૨૧ નોકરીદાતાઓ દ્વારા ઈન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.