જામનાગર: સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં 61મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નેશનલ ડિફેન્સ કોલેજ, સંરક્ષણ મંત્રાલય, નવી દિલ્હીના સિનિયર ડાયરેક્ટીંગ સ્ટાફ (નેવી) રિયર એડમિરલ ધીરેન વિગ, વીએસએમ, હાજર રહ્યાં હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એર વાઇસ માર્શલ બી.વી. ઉપાધ્યાય, વી.એમ. પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ વાર્ષિકોત્સવની શરૂઆત મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.
સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ સ્કૂલનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો જેમાં અગ્રણી સિદ્ધિઓ અને વિદ્યાર્થીઓને અધિકારી તરીકે સંરક્ષણ દળોમાં પ્રવેશ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાના સ્કૂલના મિશન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ તકે આચાર્યશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે સ્કૂલના વહીવટીતંત્રની વર્તમાન સિસ્ટમમાં નવીનતાઓ દાખલ કરીને તેનું સ્તર સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે, જેમ કે ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવું, નવી શિક્ષણ પદ્ધતિ અપનાવવી અને હાલની સુવિધાઓ અપડેટ કરવી.
વાર્ષિક અહેવાલની રજૂઆત બાદ બાલાચડીયન દ્વારા મંત્રમુગ્ધ કરી દેનાર વૈવિધ્યસભર કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેમાં ધોરણ-૬ની વિદ્યાર્થિની જીયા દોશી દ્વારા રજૂ કરાયેલ ભરત નાટ્યમ, સૈનિક સ્કૂલ બાલાચડીના કેડેટના જીવન પર સ્કીટ, અંગ્રેજી સ્કીટ, ગરબા અને દેશભક્તિ નૃત્યના અસાધારણ પ્રદર્શનથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. આનાથી માતા-પિતાને ખાતરી મળે છે કે તેમના સંતાનો તેમની પ્રતિભા અને હસ્તગત કૌશલ્યોથી જીવનના દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ બની શકે છે.
મુખ્ય અતિથિએ વર્ષ 2021-22 માટે વિવિધ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કેડેટ્સને ઈનામો, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. ઓલ રાઉન્ડ પરફોર્મર હાઉસ માટે સૌથી પ્રખ્યાત ‘કોક હાઉસ ટ્રોફી’ ટાગોર હાઉસને અને બેસ્ટ ઓલ રાઉન્ડ હોલ્ડિંગ હાઉસની ટ્રોફી નેહરુ હાઉસને એનાયત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ એનડીએ કેડેટ માટે ‘કેપ્ટન નિલેશ સોની ટ્રોફી’ ટાગોર હાઉસના કેડેટ શૌર્ય રેને આપવામાં આવી હતી, તેમને આ સિદ્ધિ બદલ ઓબ્સા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા રૂપિયા પચીસ હજારના રોકડ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગરુડ હાઉસના કેડેટ અમૃતરાજ અને આંગ્રે હાઉસના કેડેટ આમીન કાનપરિયાને અનુક્રમે સિનિયર અને જુનિયર કેટેગરીમાં વર્ષના ‘બેસ્ટ ઓલ રાઉન્ડ કેડેટ’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. સરદાર પટેલ હાઉસના કેડેટ અમિત કુમાર ગુર્જર અને પ્રતાપ હાઉસના કેડેટ નીલ પટેલને અનુક્રમે ‘બેસ્ટ એથ્લેટ ઓફ ધ યર’ અને ‘બેસ્ટ ઇન આર્ટ’ તરીકે જાહેર કરાયા હતા. ‘હિન્દી’ અને ‘અંગ્રેજી’માં સર્વશ્રેષ્ઠ ડિબેટર માટે પ્રથમ વખત રજૂ કરાયેલ ટ્રોફી અનુક્રમે ગરુડ હાઉસના કેડેટ શ્રેયાંશ પાંડે અને પ્રતાપ હાઉસના કેડેટ દેવસિંહ પરમારને આપવામાં આવી હતી.
આ પ્રસંગે, ‘અનુકૂલનક્ષમતા’ થીમ પર આધારિત સ્કૂલ મેગેઝિન ‘સંદેશક 2021-22’ નું ડિજિટલ સંસ્કરણ બહાર પાડવામાં આવ્યું હતું.
મુખ્ય અતિથિએ આ ભવ્ય શો માટે કેડેટ્સ અને સ્ટાફ દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી અને ઇનામો જીતનાર તમામને અભિનંદન પણ આપ્યા હતા. તેમણે કેડેટ્સમાં સર્વાંગી વ્યક્તિત્વ વિકસાવવા માટે જરૂરી ગુણો આત્મસાત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને તેમને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે નિષ્ઠાવાન, સત્યવાદી, શિસ્તબદ્ધ અને સમર્પિત બનવા પ્રેરિત કર્યા હતા. મુખ્ય મહેમાનએ તેમના સંબોધનમાં સૈનિક સ્કૂલ બાલાચડીમાં વિતાવેલા તેમના વિદ્યાર્થીના જીવનના અનુભવો શેર કર્યા હતા.
તેમણે કેડેટ્સને તેમના સપના સાકાર કરવા માટે શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી અને ડિફેન્સ સર્વિસિસમાં માંગ પ્રમાણે ટેક્નોલોજીથી સારી રીતે વાકેફ થવાની સલાહ આપી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન અને અતિથિઓએ સ્કૂલને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. સ્કૂલવતી આચાર્યશ્રીએ મુખ્ય મહેમાન અને અતિથિઓને સ્મૃતિ રૂપે સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું તથા ઓબ્સાના પ્રમુખ શ્રી ભરત પટેલે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ તરીકે સ્કૂલને ચેક અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે ઓબ્સાના સભ્યો, માતા-પિતા અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ તેમના સંતાનોની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સ્કૂલના ઉપાચાર્ય લેફ્ટનન્ટ કર્નલ હરજોત કૌર દ્વારા પ્રસ્તાવિત આભારના મત સાથે કાર્યક્રમ સમાપન થયો હતો.