જામનગર, સંજીવ રાજપૂત: જીલ્લા પંચાયત ખાતે ૧૦૨ જેટલા ગામડાઓના સરપંચઓ અને તલાટીમંત્રીઓ માટે સિવિલ ડીફેન્સ અંગે બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં નાગરિક સંરક્ષણની કચેરી તથા ફાયર વિભાગ દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તુત સમજુતી આપી તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમનો મુખ્ય હેતુ નાગરિકોને આપાતકાલીન પરિસ્થિતિમાં સ્વબચાવની પદ્ધતિઓથી કઈ રીતે વાકેફ કરવા તે હતો. આ તાલીમમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી દીપા કોટકે ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તાલીમમાં નાયબ નિયંત્રક વી.કે.ઉપાધ્યાય તથા ચીફ વોર્ડન કમલેશ પંડ્યા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ, વિવિધ પ્રકારની સેવાઓ જેમાં હેડક્વાર્ટર, તાલીમ, સંદેશા વ્યવહાર, વોર્ડન સેવા, અગ્નિશામક સેવા, બચાવ સેવા, પ્રાથમિક સારવાર સેવા, કલ્યાણ સેવા, માલ મિલકત બચાવ સેવા,પુરવઠા સેવા, અફવાઓ ન ફેલાય તે સુનિશ્ચિત કરવું વગેરે અંગે સમજુતી આપી કેવા પ્રકારના પગલા લેવા તેમજ સિવિલ ડીફેન્સ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જામનગર જીલ્લા પંચાયત ઉપરાંત વિવિધ તાલુકાઓમાં પણ નાગરિક સંરક્ષણ અંગે તાલીમ આપવામાં આવી રહી છે.
આ તાલીમમાં પી.આઈ. એમ.વી.ખીલેરી, સેક્ટર વોર્ડનો ચેતનાબેન માણેક, કિશોરભાઈ ત્રિવેદી, ભરત કટેશીયા, નિશાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.