જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત વર્ષ-૨૦૨૪-૨૫ની બાળકોના પોષણમા સુધારો થવાના હેતુથી કરેલ રૂ. 2.00 લાખની જોગવાઈની ગ્રાન્ટમાંથી જિલ્લાના ૧ થી ૫ વર્ષના અતિ કુપોષિત ૪૪૬ બાળકોને પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બાળક દીઠ સિંગદાણા (400 ગ્રામ), રાગી લોટ (500 ગ્રામ), દલીયા (500 ગ્રામ), મગ (500 ગ્રામ), ગોળ (950 ગ્રામ), મોરીન્ગા(સરગવા) પાઉડર (100 ગ્રામ)નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વાનગીઓની રેસીપીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પોષણ કીટ વિતરણની સાથે-સાથે નિવૃત્ત આંગણવાડી કાર્યકર બહેનોને મળવાપાત્ર ગ્રેજ્યુઈટીનાં ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં NNM જિલ્લા તથા બ્લોક કોર્ડીનેટરઓ દ્વારા બાળકોને દુકાનનાં મસાલેદાર પેકેટ્સની આદત છોડાવવા, બાળકનાં વાલીઓમાં કુપોષણ બાબતે જાગૃતિ લાવવા તથા માર્ગદર્શન આપવાનાં વિષય પર રોલ પ્લે કરવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના હેતુથી દર વર્ષે આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા કુપોષિત બાળકોનાં પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે પોષણયુક્ત પંજરી, થેરાપેટીક ફૂડ, ફ્લેવર્ડ મિલ્ક, પોષણ કીટ વગેરે સમયાંતરે આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ચેરમેન ભાવનાબેન ભેંસદડીયા, સભ્યશ્રી ધરમશીભાઈ ચનીયારા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એચ.એચ. ભાયા, જિલ્લા આર.સી.એચ. ઓફિસર નુપુરકુમારી પ્રસાદ, પ્રોગ્રામ ઓફિસર બિનલ બી. સુથાર, ઘટકનાં તમામ બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા, તથા આઈ.સી.ડી.એસ. સ્ટાફ, આંગણવાડી કાર્યકર, લાભાર્થી તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.