વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અક્ષરવાડી, ભાવનગર ખાતે નવરાત્રી ભક્તિ પર્વની ઉજવણી થઈ રહી છે..
નવરાત્રિ ભક્તિ પર્વના પ્રથમ દિવસે સંસ્થાના વિદ્વાન સંત આત્મતૃપ્ત સ્વામી જણાવ્યું કે “નવરાત્રિનું પર્વ ભક્તિનું પર્વ છે. ભક્તિની સાથે ધર્મ અને સદાચાર ભળે તો ભક્તિની શક્તિ વધી જાય છે. ભક્તિમાં સંયમ મર્યાદા ચૂકાય છે ત્યારે ભક્તિની શક્તિ રહેતી નથી.”
જીવન સાફલ્યની જડી બુટ્ટી જણાવતા સ્વામીએ જણાવ્યું કે “ભગવાનની ભક્તિ જીવનના કેન્દ્રમાં જરૂરી છે અને એ ભક્તિનો યોગ પ્રમુખસ્વામી મહારાજ જેવા સાચા સંત કરાવે છે. મુસ્લિમ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબને પણ આ દિવ્ય અનુભૂતિ થઈ હતી.
જેમણે ભગવાનમાં મન જોડ્યું છે તેઓને જીવન ભર આનંદ રહ્યો છે. મીરાબાઈ કઠિન પરિસ્થિતિમાં પણ ‘પાયોજી મેને રામ રતન ધન પાયો’ ગાઈ શકતા હતા.
સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ તકલીફોની વચ્ચે કીર્તન રચતા કહે છે- રાજ મારે દિન દિન દિવાળી. જ્યારે ઘણું બધું પ્રાપ્ત કર્યું હોવા છતાં નિરાશા સાથે સમ્રાટ નેપોલિયન કહે છે કે ‘મે સુખના છ દિવસો પણ જોયા નથી’.
પ્રમુખ સ્વામી મહારાજનું ભક્તિમય જીવન ધર્મના માર્ગે ચાલતા દરેક સાધક માટે આદર્શ છે. પ્રમુખ સ્વામી મહારાજે હંમેશા ભગવાનને કેન્દ્રમાં રાખ્યા છે. કઠિન પરિસ્થિતિમાં હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા અને તેથી જ તેઓ સદાય સ્થિર રહી શક્યા. ભગવાનના સુખે આનંદિત રહ્યા. આપણે પણ મુશ્કેલીઓ આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરવી જેથી સ્થિર રહેવાનું બળ મળશે અને સદાય શાંતિ રહેશે”.
આજના પર્વે જાણીતા બિલ્ડર મહાવીરસિંહ ચુડાસમાએ પ્રમુખ સ્વામી મહારાજ સાથેના સ્મરણો જણાવતા કહ્યું કે ‘પ્રમુખ સ્વામી મહારાજે મને નિર્વ્યસની રાખ્યો. મુશ્કેલીઓ આવી ત્યારે મને કાયમ માર્ગદર્શન આપ્યું છે’.
જાણીતા બિલ્ડર અપૂર્વભાઈ શેઠ એ જણાવ્યું કે ‘હું ૧૯૯૮ થી પ્રમુખ સ્વામી મહારાજ અને સંસ્થાના સંપર્ક માં આવ્યો. મને સંસ્થાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો જે નિયમ ધર્મ પાળે છે તે જાણી ને ખુબ જ અહોભાવ થયો’.
આજના દિવસે બાળકો યુવકોએ સ્વાગત નૃત્ય તથા ગુરુ ભક્તિ સંવાદ રજૂ કરી પોતાની ભક્તિ અદા કરી હતી. સતત નવ દિવસ સુધી રાત્રે ૯ થી ૧૧.૧૫ આ ભક્તિ પર્વનો સૌને લાભ પ્રાપ્ત થશે.