સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર ”
આમ તો હું મુખ્યત્વે શિક્ષક જીવ છું. લખવું એ હંમેશા મારો મનગમતો વિષય રહ્યો છે. ભાષા શિક્ષક હોવાથી ગુજરાતી તો ખરું જ પરંતુ અંગ્રેજી વિષય મેં વધુ ભણાવ્યો છે.જે જે શાળામાં શિક્ષણ કાર્ય કરાવ્યું તે બધા જ એ વાતથી વાકેફ હતા કે હું જેટલું સડસડાટ અંગ્રેજી ભણાવી શકું છું તેટલું જ મજબૂત ગુજરાતી સાહિત્ય છે મારું.
અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તમે અત્યારે મને વાંચી રહ્યા છો તે છે.થોડા દિવસ પહેલાં જે શાળામાં શિક્ષણ કાર્ય કરાવ્યું તે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી અને મારા ભાઈ જેવા ડૉ.નચિકેત ભાઈનો કોલ આવ્યો કે બેન આપણે એક સરસ મજાનું વિદ્યાદાનનું કાર્ય કરી રહ્યા છીએ. મારા પિતાજી અને દાદા દાદી પાછળ મારે વિદ્યાદાન કરવું છે,અને મારે પુસ્તકમાં બાળકોને એક કવિતારૂપી સંદેશ પણ આપવો છે જો એ પુસ્તક ઉપર તમારું લખાણ હશે તો મારું આ કર્મ દીપી ઉઠશે.. મને હૈયે ખૂબ જ હરખ થયો અચાનક જ ઘણા બધા શબ્દોની હારમાળા હૃદયમાંથી મહેકી ઉઠી અને શબ્દો લખાઈ ગયા.
આજે એ શબ્દો હજારો સરકારી શાળામાં ભણતા બાળકોની આંખો વાંચશે તો મને દાન કર્યા કરતા પણ વધુ આનંદ થશે. કેમ કે હું દાન કરું છું પણ આ વખતનું દાન શબ્દોરૂપી દાન છે અને તે પાછુ વિદ્યા સાથે ભળ્યું છે અને તેથી જ તે વિદ્યાદાન થઇ ગયું છે,એટલે તેનો આનંદ અલગ જ છે.ભાઈશ્રી ડૉ.નચિકેતભાઈના પિતા માટે તો લખીએ તેટલું ઓછું પડે.
ખૂબ જ લાગણીશીલ, ગરીબોના બેલી અને જરૂરતમંદ લોકો માટે હંમેશા ખડે પગે ઉભા રહેનાર દિનેશભાઈ પટેલ (દિનેશ કાકા )અને તેમના પૂજ્ય દાદાશ્રી પ્રહલાદભાઈ પટેલ અને અને પૂજ્ય દાદીશ્રીનો ઈશ્વર સ્વર્ગમાં વાસ કરાવે અને આ બધા જ વિદ્યાર્થીઓના આશિષ તેમને અને તેમના પરિવારને મળે તેવી હું મા ભગવતીને પ્રાર્થના કરું છું.. અને ભાઈશ્રી નચિકેતભાઈ પણ તેમના પિતાની જેમ સેવા, દાન અને લોકહિતના રસ્તે ચાલીને તેમના પિતાનો વારસો આગળ વધારી રહ્યા છે તે તેમના પરિવાર માટે ગર્વની વાત છે.. મુખી પરિવારને ઈશ્વર સદાય હસતો અને લીલોછમ રાખે 🙏🏻🙏🏻
પ્રકાશિત કવિતા….
નાનકડા ફૂલોને ભેટ આપી તેમની આશીર્વાદરૂપી સોડમ અમે પામીએ,
પુસ્તકો પામી ભણતા, વાંચતા, લખતા બાળકો જોઈ ટાઢક હૈયાની અમે પામીએ,
વિદ્યાદાનથી મોટુ કોઈ દાન નથી, તેવી આશા અમે સૌના દિલમાં જગાવીએ,
સૌ ભણે સૌ આગળ વધે તે સૂત્રને આગળ વધારી નાનકડા હૃદયમાં સ્થાન પામીએ,
અંતરથી આશિષ આપજો સ્વર્ગે સિંધાવેલા દાદા દાદી આજે અમે તમારી રાહ પર ચાલીને બાળકોના મુખ પર હાસ્ય લાવીએ..
દાદા દાદીની પુણ્યતિથિ ઉપર નાના બાળકો શિક્ષણમાં ખૂબ જ આગળ વધે તે હેતુને સાર્થક કરવા પુસ્તકોનું દાન કરી આનંદની લાગણી અનુભવીએ છીએ.
સમસ્ત મુખી પરિવાર..
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “