ઈયળોથી ખદબદતી કેરી વેંચાણની રોક માટે તંત્રની રસહીનતા
વલ્લભીપુર
વલભીપુર નગરપાલિકા વિસ્તારમાં કાર્બનથી પકવેલી તથા ગેસની ભઠ્ઠી પર પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. વલભીપુરના નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમી એવી આવી કેરીનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવા છતાં તંત્રને આની જાણ નથી.
અત્યંત દુર્ગંધયુક્ત હોવાને કારણે સસ્તાભાવે કેરી વેચાતી હોવાથી લોકો આ કેરી લેવા લલચાય છે. કેરી કાપતા જ અંદરથી જીવાતો નીકળે છે. ગ્રાહક આવી કેરી વેપારી પાસે પાછી આપવા લઈ જાય છે ત્યારે યેનકેન પ્રકારે સડેલી કેરી બદલી આપવામાં આવતી નથી.
કોઈ ગ્રાહકે આ બાબતની જાણ વલભીપુરના જાણીતા પત્રકારન ધર્મેન્દ્રસિંહ સોલંકીને કરતા કેરી વેચનાર અને ખરીદનાર બંનેની વાત સાંભળીને કેરી તપાસ કરતા કેરી ખૂબ ખરાબ હોવાથી સૌપ્રથમ આરોગ્ય વિભાગમાં જાણ કરી હતી. જો કે, આરોગ્ય વિભાગે આ જવાબદારી નગરપાલિકા સેન્ટરી ઇન્સ્પેક્ટરની અંડરમાં આવે છે તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતા.
પત્રકારે ત્યારબાદ સેન્ટ્રી ઇન્સ્પેક્ટર વિલાસબેનને ફોન કરીને માહિતી આપી હતી કે હાઈવે રોડ પર અને શાક માર્કેટમાં અખાદ્ય કેરીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ માહિતી મળતા જ ઇન્સ્પેક્ટર અને નગરપાલિકાની ટીમ દ્વારા વલભીપુરના શાક માર્કેટ વિસ્તારમાં અને હાઇવે રોડ પર કેરી વેચતા ફેરિયા, દુકાનદારોને ત્યાં રેડ કરતા માત્ર પાંચથી સાત કિલો અખાદ્ય કેરીઓ જપ્ત કરી સ્થળ પર જ તેનો નાશ કરી કામગીરી કર્યાનો સંતોષ માન્યો હતો.
જો કે સેન્ટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે સપ્તાહમાં બે વખત અમે આ અંગેની રેઇડ કરશું. ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે બે દિવસની રેઇડ બાદ બાકીના પાંચ દિવસો સુધી અખાદ્ય કેરી આરોગવા માટે શું વલ્લભીપુરવાસીઓએ મજબુર થવું પડશે? કે આરોગ્ય માટે જોખમી કેરી સહિતના ફળો વેંચતા ધંધાર્થીઓ સામે ધડારૂપ કાર્યવાહી કરવામાં આવશે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર