કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી યુવા સભામાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ સહભાગી બન્યા
આદિવાસી સમાજના યુવાનો શિક્ષણના ક્ષેત્રે આગળ વધીને ડૉક્ટર, એન્જિનિયર, IAS અને IPS બને તે માટે સરકાર દ્વારા વિવિધ શિષ્યવૃત્તિ અને કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવાઈ છે : મંત્રી જીતુભાઈ વાઘાણી
સાબરકાંઠા જિલ્લામાં ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે ડી.ડી. ઠાકર આર્ટ્સ અને કે.જે. પટેલ કોમર્સ કોલેજમાં કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ઉપસ્થિત યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો, વિચારો તથા આકાંક્ષાઓ જાણી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાનું જીવન અને સંઘર્ષ આદિવાસી સમાજ સહિત સમગ્ર દેશના યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમણે દેશની આઝાદી અને આદિવાસી સમાજના હક-અધિકાર માટે કરેલા સંઘર્ષને યાદ કરીને યુવાનોને તેમના જીવનમાંથી પ્રેરણા લઈ શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રસેવાના માર્ગે આગળ વધવા આહ્વાન કર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે આદિવાસી સમાજના અનેક યુવાનોને શિક્ષણની પૂરતી તકો ઉપલબ્ધ નહોતી. પરંતુ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આદિવાસી સમાજનાં યુવક-યુવતીઓ ડૉક્ટર, એન્જિનિયર, IAS અને IPS જેવા ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચે અને શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે તે માટે વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ, શૈક્ષણિક સહાય અને અન્ય પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આદિવાસી પરિવારોને પાકાં મકાનો સહિતની પાયાની સુવિધાઓ મળી રહે તે માટે પણ સરકાર વિવિધ યોજનાઓના માધ્યમથી સતત કાર્ય કરી રહી છે. સરકારનો ઉદ્દેશ છે કે આદિવાસી સમાજનો દરેક પરિવાર વિકાસની મુખ્યધારામાં જોડાય અને યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે સમાન તકો મળે. યુવાનોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ પોતાના સપનાઓ સાકાર કરવા જોઈએ.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જાપાન ખાતે યોજાયેલી પાંચમી આંતરરાષ્ટ્રીય એશિયન પેરાગેમ્સ માં ૪૦૦ મીટર એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર સાબરકાંઠાની ખેલાડી અંજના બુબડિયાનું વિશેષ સન્માન કર્યું હતું. તેમણે અંજનાની સિદ્ધિને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, રમતગમત ક્ષેત્રે પણ આપણા યુવાનોમાં અપાર ક્ષમતા રહેલી છે. અંજનાએ પોતાની મહેનત, દૃઢ નિશ્ચય અને આત્મવિશ્વાસથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. તેમની આ સિદ્ધિ અન્ય યુવક-યુવતીઓ માટે પ્રેરણારૂપ બનશે.
મંત્રીશ્રીએ યુવાનોને શિક્ષણની સાથે રમતગમત, સામાજિક ક્ષેત્ર અને રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો. તેમણે યુવાનોને પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહી મહેનત અને આત્મવિશ્વાસથી આગળ વધવા પ્રેરિત કર્યા હતા.
આ યુવા સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિન કોટવાલ, ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી ડૉ. પલક ત્રિવેદી, શ્રી લુકેશ સોલંકી, શ્રી રણજીત પાંડોર સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ દિનેશભાઈ સોનગરા હિંમતનગર…
















