પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સુવિધા તથા કલ્યાણને ધ્યાનમાં રાખીને મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને પ્રેરણાથી 13 નવેમ્બર 2026ના રોજ રેલવે કમ્યુનિટી હોલ, ભાવનગર પરા ખાતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલવે બોર્ડની માર્ગદર્શિકા અનુસાર ભાવનગર મંડળમાં 1 નવેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) અભિયાન-5 ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મંડળના સાત સ્ટેશનો પર વિશેષ DLC શિબિરોનું આયોજન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે પ્રથમ શિબિર બોટાદ રેલવે સ્ટેશન ખાતે સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે, જ્યારે 13 નવેમ્બરના રોજ ભાવનગર પરા ખાતે બીજી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને શિબિરોમાં અત્યાર સુધીમાં 120થી વધુ રેલવે પેન્શનરોએ લાભ લીધો છે.
આ પ્રસંગે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગને ઉપસ્થિત પેન્શનરોને રેલવે પ્રશાસન દ્વારા તેમના હિતમાં ઉપલબ્ધ કરાવવામાં આવતી વિવિધ સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની પ્રક્રિયા વિશે પણ વિગતવાર સમજણ આપી હતી.
કાર્યક્રમમાં સહાયક મંડળ નાણાં પ્રબંધક શ્રી સંજય સક્સેના તથા પેન્શનર એસોસિએશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. પેન્શનરો અને એસોસિએશનના હોદ્દેદારોએ રેલવે પ્રશાસન દ્વારા તેમની સુવિધા અને કલ્યાણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત આગામી વિશેષ DLC શિબિરો 17 નવેમ્બરના રોજ જૂનાગઢ, 18 નવેમ્બરના રોજ જેતલસર, 19 નવેમ્બરના રોજ વેરાવળ, 24 નવેમ્બરના રોજ પોરબંદર તથા 25 નવેમ્બરના રોજ મહુવા રેલવે સ્ટેશન ખાતે યોજાશે.
ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવામાં કોઈ મુશ્કેલી પડતી હોય તો પેન્શનરો ભાવનગર પરા સ્થિત મંડળ રેલ પ્રબંધક કચેરીના હિસાબ વિભાગ અથવા પોતાના વિસ્તારના વેલફેર ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી શકે છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ તમામ રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોને અપીલ કરી છે કે તેઓ આ ડિજિટલ સુવિધાનો વધુમાં વધુ લાભ લે અને અંતિમ તારીખની રાહ જોયા વિના નિર્ધારિત સમયમર્યાદામાં પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવે.
મંડળ નાણાં પ્રબંધક શ્રી હરિશ જનસારીએ જણાવ્યું હતું કે શિબિરમાં આવતા પેન્શનરોએ પોતાની સાથે આધાર કાર્ડ, પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO), બેંક પાસબુક (ખાતા નંબર અને IFSC વિગતો સહિત) તથા આધાર સાથે લિંક થયેલો મોબાઇલ નંબર અવશ્ય લાવવો.
ભાવનગર મંડળ રેલવે પ્રશાસન પેન્શનરોના કલ્યાણ, તેમની સમસ્યાઓના ઝડપી નિરાકરણ તથા તેમને સરળ, સુલભ અને ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રતિબદ્ધ છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન આ પ્રતિબદ્ધતાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ છે.
સમયસર ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવો, પેન્શનની ચૂકવણી નિરંતર ચાલુ રાખો.
















