Latest

પાલનપુર ખાતે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલનો વિદાય સમારંભ તેમજ નવા કલેક્ટર વરૂણકુમારનો સત્કાર સમારંભ યોજાયો

બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરશ્રી આનંદ પટેલની રાજકોટ મ્યુનિસીપલ કમિશનર તરીકે બદલી થતાં જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ દ્વારા પાલનપુર ખાતે તેમના માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ નવનિયુક્ત કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો.

જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ વિદાય લઇ રહેલા કલેક્ટરશ્રી આનંદ પટેલને શ્રીફળ, સાકર આપી શાલ ઓઢાડી નવી ઇનિંગની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. એન. પંડ્યાએ નવનિયુક્ત કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલને બુકે અને મોમેન્ટો આપી આવકાર આપ્યો હતો.

આ પ્રસંગે પૂર્વ કલેક્ટરશ્રી આનંદ પટેલે પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની લાગણીશીલ પ્રજાને નતમસ્તક વંદન કરી અહીંથી વિદાય લઇ રહ્યો છું. આ જિલ્લાના લોકો સરકારી તંત્રને ખૂબ આદર અને સન્માન આપે છે. તેમણે કહ્યું કે, આ જિલ્લાના લોકો સાથે લાગણીના તાંતણે બંધાયો છું.

અહીંની પ્રજા સાથે સાથે રેવન્યુનો સ્ટાફ પણ સમગ્ર રાજ્યમાં બેસ્ટ સ્ટાફ હોવાનું કહી ટીમ બનાસકાંઠાના કાર્યોની તેમણે પ્રસંશા કરી હતી. જે વ્યક્તિઓ સાથે ઋણાનુંબંધ હોય તેમની સાથે જીવનમાં કામ કરવાનું બનતું હોય છે. તેમણે કહ્યું કે આ જિલ્લો ખુબ વિશાળ હોવાથી અનેક પડકારો પણ હતા, પરંતુ સહુના સાથ સહકારથી સંતોષકારક રીતે ફરજ બજાવી શક્યો છું.

તેમણે ઉમેર્યુ કે, મારી સરકારી સેવા દરમ્યાન કચ્છ, ભરૂચ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પડકારોની વચ્ચે કામ કરવાની સાથે ઘણું નવું શિખવા પણ મળ્યું છે. મા અંબાના ધામ બનાસકાંઠા જિલ્લા પર માતાજીના કાયમ આશીર્વાદ રહ્યા છે. આ જિલ્લામાં કામ કરવાના આત્મસંતોષ સાથે અહીંથી જઇ રહ્યો છું.

આ પ્રસંગે નવ નિયુક્ત કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર તરીકે પ્રથમવાર કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ખુબ સારા સંકેતો સાથે આ જિલ્લામાં આવ્યો છે. તેઓએ પૂર્વ કલેક્ટરશ્રી આનંદ પટેલને જે સાથ સહકાર સ્ટાફ એ આપ્યો એવા જ સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. આપણે બધા સાથે મળીને આ જિલ્લાને વિકાસની નવી ઉંચાઇએ લઇ જઇશું એમ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, પૂર્વ કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં પિતાતુલ્ય પ્રેમ અને ઘણું બધું નવું શિખવા મળ્યું છે. તેમના વડપણ હેઠળ ટીમ બનાસકાંઠાએ ઘણાં ચેલેન્જીસ વચ્ચે ખુબ સરસ કામ કર્યું છે. પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, પાટણ અને બનાસકાંઠા એમ બે- બે જિલ્લામાં કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં ઘણું શિખવા મળ્યું છે. પોલીસ વિભાગને સતત એમનું માર્ગદર્શન મળતું રહેવાના કારણે અમારું કામ પણ સરળ થઇ જતું હતું.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એન.પંડ્યાએ વિદાય આપતા જણાવ્યું કે ભાદરવી પૂનમનો મેળો, વિધાનસભાની સામાન્ય ચૂંટણી, ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સહિતના તમામ કાર્યક્રમો આપણે કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.

તેમણે નવા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલની આગેવાનીમાં બનાસકાંઠા જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સમારંભમાં શ્રી આનંદ પટેલના પરિવારજનો, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મહેસૂલી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *