૮૯.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રીજનું વિધાનસભાના અધ્યક્ષના હસ્તે થશે લોકાર્પણ
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રિય ધોરીમાર્ગ ૫૮ અને રાષ્ટ્રિય ધોરીમાર્ગ ૨૭ પર એલ.સી. ૧૬૫ પર રૂ.૮૯.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત “રેલવે ઓવરબ્રિજ” નિર્માણ કરવામાં આવ્યો છે. જેનો લોકાર્પણ સમારોહ ભાદરવી પૂનમ મેળાના પ્રારંભે ૧૨ સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવશે.
આ પ્રસંગે કેબિનેટમંત્રી બળવંતસિંહ રાજપુત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં બ્રિજને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે.
17 મીટર ઊંચાઈ પર રોટરી વાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે. જયારે ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે. આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નઈમાં બન્યો હતો. આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં ૧૬૦૦૦ મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ ૩૬૦૦ મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે.
પાલનપુર અને આબુરોડ તરફ ૧૭૦૦ મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે જયારે પાલનપુર અને આબુરોડ તરફ બે લાઈન અને અંબાજી તરફ ફોરલાઇન લેગ બનાવવામાં આવ્યા છે. જીપી કસ્ટ્રકશન કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે.
આ આખો બ્રિજ ૭૯ પિલ્લર પર ઉભો છે. જેમાં ૮૪ મી. ના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યુ છે. આ બ્રિજમાં કુલ ૧૮૦ ગડર કોક્રિટના છે અને ૩૨ ગડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે. પેરાપીડ સાથે આ બ્રિજની ઊંચાઈ ૧૮ મીટર છે.
આ બ્રિજ પર આબુરોડ થી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને પાલનપુર થી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે. બ્રીજના વિવિધ સ્થળો ઉપર દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. બ્રિજના ઉદ્ઘાટનને લઈને બ્રિજને રોશનીથી સજાવવામાં આવતા શહેરીજનોમાં બ્રિજના ઉદ્ઘાટનને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. આ બ્રિજના લોકાર્પણથી લોકોને અવરજવરથી સુવિધા સાથે ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે.