એબીએનએસ, વિ.આર. ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમાર અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિઓના વિવિધ વિષયોને લગતી બાબતો જેવી કે પ્રોપર્ટીકાર્ડ, વારસાઈ, આવાસ યોજનાના અમલીકરણ, આરોગ્ય સુવિધાઓ, નવા વીજ જોડાણ, પાણીના પંપીંગ સ્ટેશન, રોડ રસ્તા દુરસ્તી, બિન ખેતી શરતભંગ અને પ્રિ-મોનસુન કામગીરી સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ અંગે જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જિલ્લામાં જન સામાન્યને સ્પર્શતા વિવિધ વિષયો જેવાં કે પડતર અરજીઓના નિકાલ અંગે, નલ સે જલ યોજના અને સ્વામિત્વ યોજનાના અસરકારક અમલીકરણ અંગે સકારાત્મક અભિગમથી કામ કરવા તથા તમામ અધિકારીઓને ટીબી નિર્મૂલન અભિયાનમાં સહભાગી બનવા તેમજ જન સામાન્યના પડતર પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સબંધિત માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, ધારાસભ્ય સર્વ સી.કે.રાઉલજી, જયદ્રથસિંહ પરમાર અને ફતેસિંહ ચૌહાણ સહિત પ્રાંત અધિકારીઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.