અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે અંબાજી ખાતે શરૂ થયેલા ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ ના પ્રથમ દિવસે પધારેલા યાત્રિકો અને શ્રધ્ધાળુ માઇભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને તેમની તમામ સુવિધાઓ સચવાય એ માટે તમામ સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી જે તે અધિકારીશ્રીઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પંચ દિવસીય આ મહોત્સવમાં દરેક દિવસે યાત્રિકોની તમામ સુવિધાઓ યોગ્ય રીતે જળવાય એવી તાકીદ કરી હતી.
અંબાજી પરિક્રમા મહોત્સવમાં આવતા માઇભક્તો ભોજન પ્રસાદ વિના રહી ન જાય એની સતત દરકાર કરતાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે ભોજન પ્રસાદ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ યાત્રિકો નિરાંતે જમી શકે અને તેમને કોઈ અગવડ ન પડે એ બાબતની ખાસ તકેદારી રાખવા ભોજન સંચાલન કેન્દ્રના કર્મચારીઓને આદેશ કર્યો હતો. વધુમાં તેમણે યાત્રિકોની ભોજન સમયે બેઠક વ્યવસ્થા સચવાય, ધક્કામુક્કી ન થાય અને યાત્રિકો શાંતિથી ભોજન લઈ શકે એ માટે જરૂર પડે તો વધુ કાઉન્ટર ઉભા કરી વ્યવસ્થા જાળવવા અનુરોધ કર્યો હતો.
‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ માં ભાદરવી પૂનમના મેળાની જેમ જ યાત્રાળુઓના ભોજન પ્રસાદની સુવિધા સચવાય એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ કોલેજ ખાતે તમામ યાત્રિકો માટે વિના મૂલ્યે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત યાત્રિકો ભીડ કે ધક્કામુક્કી વિના શાંતિથી જમી શકે એ માટે સાત કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે.