એબીએનએસ પાટણ: પાટણ જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિએ આજરોજ રાધનપુર તાલુકાના કામલપુર(ધ ) ગામે આવેલ જિલ્લાના બીજા નંબરના પ્રાકૃતિક મોડેલ ફાર્મ ( રમા બા મોડેલ ફાર્મ) ની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાધનપુર તાલુકાના કામલપુર(ધ ) ગામના વતની જેસંગભાઈ રમાભાઈ ચૌધરી વર્ષ ૨૦૧૫ થી ૧૩ વીઘામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરે છે. તેમનું પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ જિલ્લામાં બીજા નંબરનું શ્રેષ્ઠ પ્રાકૃતિક મોડેલ ફાર્મ છે.
તેઓ ખારેક, લીંબુ, લસણ, ઘઉં, રજકો જેવા પાકોમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. તેમના મોડેલ ફાર્મની મુલાકાત લેતાં જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિએ તેમની પ્રાકૃતિક ખેતી પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.