વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૩૦ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારી વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. આ કાર્યક્રમને અનુલક્ષીને અંબાજી ખાતે ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રી સોનલ મિશ્રાના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની તલસ્પર્શી વિગતો મેળવી અગ્ર સચિવશ્રી સોનલ મિશ્રાએ અધિકારીઓને કાર્યક્રમના સુચારું વ્યવસ્થાપન માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યુંર હતું.
વડાપ્રધાનશ્રીના આ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા વિભાગના અધિકારીઓની સમિતિઓ બનાવી કામગીરી સુપ્રત કરવામાં આવેલી છે. આ સમિતિઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની જાણકારી મેળવી કાર્યક્રમમાં આવનાર લોકો માટે પીવાના પાણી, બેઠક અને વાહન વ્યવસ્થા સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલે કાર્યક્રમ અંગે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની વિગતવાર માહિતી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઇ. શેખ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી