*લટી.બી.ના દર્દીઓને સરકાર દ્વારા આપવામાં આવતી ટી.બી. ડોટ્સનો
૧૦૦ ટકા ડોઝ લેવા દર્દીઓને અનુરોધ કરતાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી
રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન હોલ ખાતે
જિલ્લાના ૨૦૦ ટી.બી. પીડિત દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું
આણંદ, સોમવાર :: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “ટીબી હારેગા, દેશ જીતેગા’ કેમ્પેઈન અંતર્ગત દેશમાંથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કરેલ છે. જે અન્વયે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર, લાર્સન એન્ડ ટર્બો લીમીટેડ, ડબ્લયુ .ડી.એફ.સી.સી. સી.ટી.પી. થ્રી આર પ્રોજેક્ટના ઉપક્રમે ટી.બી. ના ૨૦૦ દર્દીઓને પોષણ કીટનો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ.દેસાઇ અને દાતાઓના હસ્તે ટીબીના દર્દીઓને પોષણ (ન્ટ્રીશનલ) કીટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં ટી.બી.ના દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા દર્દીઓની નિયમોનુસાર તપાસ કરી જરૂરિયાત મુજબની દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
તેમણે વધુમાં ટીબીના લીધે દર્દીઓમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને તેના લીધે ટીબીના દર્દીમાં અન્ય રોગનું સંક્રમણ ઝડપથી લાગી જાય છે. તેથી ટીબીના દર્દીએ સરકાર દ્વારા આપવામાં આવતી ડોટ્સની પ્રક્રિયાને નિયમિત અને ૧૦૦ ટકા લાભ લેવો જોઇએ તેમજ પોષણયુક્ત આહાર લેવાનું જણાવ્યું હતું.
સરકાર દ્વારા ટીબીના દર્દીઓ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે. તેમણે વધુમાં જિલ્લાના અન્ય સંસ્થાઓ, મંડળો નાગરીકોને “કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ” કેમ્પેઇન અંતર્ગત જોડાઇ પ્રધામંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
“કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ” કેમ્પેઇન અંતર્ગત કરવામાં આવેલા જિલ્લા કલેકટરશ્રી પ્રવિણ ચૌધરીના પ્રયાસોના લીધે લાર્સન એન્ડ ટર્બો લીમીટેડ, ડબ્લયુ .ડી.એફ.સી.સી. સી.ટી.પી. થ્રી આર પ્રોજેક્ટ દ્વારા આણંદ જિલ્લામાં ટીબીની સારવાર લઈ રહેલા કુલ દર્દીઓ પૈકી ૨૦૦ ટીબી દર્દીઓને દત્તક લઈ તેઓને પોષણ કીટ (ન્યુટ્રીશનલ સપોર્ટ કીટ) આપવામાં આવી હતી.
આગામી ૬ મહીનાના સમયગાળા દરમિયાન દાતા કંપની દ્વારા આ ૨૦૦ ટીબી દર્દીઓને અંદાજિત રૂ. ૮ થી ૧૦ લાખની રકમની પોષણ આહાર કીટ આપવામાં આવશે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ટી.બી. દર્દીઓને પોષણયુકત આહાર મળી રહે અને તેઓ ટી.બી. રોગ સામે લડત આપી વહેલામાં વહેલી તકે ટીબી રોગથી મુકત બને તે માટે નિક્ષય મિત્રો દ્વારા ટીબી રોગ વિશે જન-જનમાં જાગૃતિ લાવવાનો અને વર્ષ-૨૦૨૫ સુધીમાં ટીબી મુકત ભારતનું નિર્માણ કરી “ટીબી હારેગા, દેશ જીતેગા” સૂત્રને સાર્થક કરવાનો છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં દાતા કંપનીઓમાંથી આવેલા અકાઉન્ટ હેડ શ્રી સંજીવ બન્સલ અને આઈઆર હેડ શ્રી હિરેન ગર્ગ સાથે જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. દિપક પરમાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પૂર્વી નાયક, જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફીસરશ્રી ડૉ. રાજેશ પટેલ, ડૉ. મનોજ માને ,એમઓડીટીસીશ્રી અને એનટીઈપીનો તમામ સ્ટાફ તથા ટીબી ટી.બી.ના દર્દીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ