પી.બી.એસ.સીના માર્ગદર્શન હેઠળ બંને પક્ષોએ વાટાઘાટો કરી રાજીખુશીથી સમાધાન કર્યું
બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરી હેઠળ કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરે કાઉન્સેલિંગ દ્વારા એક દપંતીનું 13 વર્ષનું લગ્નજીવન તૂટતું બચાવ્યું હતું.
પતિ દ્વારા ચારિત્ર બાબતે શંકા કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા અરજદાર ઘરેથી નાસી છૂટ્યા હતા. આસપાસના લોકો પાસેથી માહિતી મળતા તેમણે સખી વનસ્ટોપ સેન્ટરનો સહારો લીધો હતો. જ્યાં અરજદારને માનસિક સાંત્વના સાથે આશ્રય અપાયો, તેમને લાંબા ગાળાના કાઉન્સેલિંગની જરૂર જણાતા અરજી પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં રીફર કરવામાં આવી હતી.
અરજદારે પી.બી.એસ.સી કાઉન્સેલર રીનાબેન વ્યાસ તેમજ રિંકલબેન મકવાણા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, પતિ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમણે પ્રેમ લગ્ન કર્યા હોવાથી પિયર પક્ષના સભ્યોનો સહારો ન હતો, જેથી તેઓ ઘરેથી નીકળી ગયા અને પતિ સાથે છુટાછેડા લેવા માંગે છે.
ત્યારબાદ પી.બી.એસ.સીએ આગેવાનો, સામાજિક કાર્યકર અને પોલીસનો સહારો લઇ અરજદારના પતિને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હતું. અરજદારના પતિને કાયદાકીય માહિતી આપવામાં આવી અને અરજદારના સાસરી પક્ષના સભ્યો સાથે વાટાઘાટો કરી બંને પક્ષોએ રાજીખુશીથી સમાધાન કર્યું.
સેન્ટરના ફોલોઅપમાં બંને પક્ષો એક બીજા સાથે ખૂબ જ ખુશ છે. સેન્ટરનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, બાળકોનું ભાવિ તેમજ 13 વર્ષનો સંસાર પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા બચાવાયો, જે કામગીરી ખરેખર પ્રશંસનીય છે.