દશકાઓ જુની માંગણીઓ સંતોષાતા લોકોમાં આવકાર
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ કરેલ પ્રયાસોનું પરિણામ; ત્રણ માસમાં બે વિમાની સેવા બાદ બે ટ્રેનનો પ્રારંભ થતા સૌરાષ્ટ્રના વિકાસને બળ મળશે
પોરબંદર તા. 11/11/2025
ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી.
પોરબંદર સાંસદ ડૉ. માંડવિયાના સંનિષ્ઠ પ્રયાસો અને ભારત સરકારના ઝડપી નિર્ણયના પરીણામે આગામી 14મી નવેમ્બરથી એક સાથે આ બે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક સાથે ચાર જિલ્લાના યતાયાતની આ સુવિધા સૌરાષ્ટ્રના વિકાસના અનેક નવા દ્વાર ખોલશે. અને લાખો મુસાફરોને મોટી રાહત મળશે.
રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની
મંજૂર થયેલી બે ટ્રેન પૈકી એક ટ્રેન ડેઇલી ચાલશે જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ શરૂ થશે.
14મી એ નવી પ્રારંભ થઇ રહેલી ટ્રેનને લીલી ઝંડી આપી કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ સભ્યશ્રી પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્યશ્રી રામભાઈ મોકરિયા, વિવિધ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ સહિતના અગ્રણીઓ મુસાફરી પણ કરશે.
કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયા એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રેલ સેવામાં વધારો એટલે આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નાં વિકસિત ભારતના સ્વપ્નને પુરું કરવા તથા ભારતને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી મોટી ઈકોનોમી બનાવવાનાં લક્ષને પુરુ કરવા આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ કરવી જરૂરી છે.
આર્થિક ગતિ વિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ખુબ જરૂરી છે. રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપાર, વાણિજય અને પ્રવાસનને પણ ખુબ મોટી ગતિ મળશે. લોકો માટે આગમન સુગમ અને સુવિધાયુકત બનશે તથા વિકસિત ભારતની સાથે જ વિકસિત રાજકોટ, વિકસિત પોરબંદર, વિકસિત દ્વારકા અને વિકસિત જામનગરનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે. તેમ જણાવ્યું હતું.
બીજી બાજુ દશકોથી જે સુવિધાની માંગણી પડતર હતી તેનો હકારાત્મક સ્વીકાર થતા લોકોમાં બહોળો આવકાર મળી રહયો છે.
કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું થશે ઠેરઠેર સ્વાગત સન્માન, ટ્રેનમાં બેસી મંત્રી રાજકોટ થી પોરબંદર જશે
ખૂબ ટૂંકા સમયમાં ઝડપી રેલ સેવાનો પ્રારંભ કરાવનાર પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું 14મી નવેમ્બરે અનેક રેલવે સ્ટેશને વિવિધ મંડળો દ્વારાભવ્ય સ્વાગત કરાશે.
તાજેતરમાં પોતાના મતવિસ્તારમાં બે વિમાન સેવાનો પ્રારંભ કર્યો, હવે એક સાથે બે ટ્રેન ફાળવતા લોકોમાં સ્વાગત સન્માન માટે ઉત્સાહ બમણો થઈ ગયો છે.
અત્યાર સુધી રાજકોટ પોરબંદર વચ્ચે એક ટ્રેન દોડતી હતી, હવે દરરોજ એક સાથે ત્રણ ટ્રેન દોડશે. ‘પોરબંદરનો જમાનો ફરી આવશે’ તેવું જાહેરમાં બોલનારા કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાએ આ સાબિત કરી બતાવ્યું કે વિકાસના દ્વાર ખુલી ગયા છે.! જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર એમ ચાર જિલ્લા વચ્ચે યતાયાત સુગમ બની ગઈ છે.
















