જીએનએ ગાંધીનગર: ભારતીય તટરક્ષકના ૨૫ મા મહાનિદેશક શ્રી રાકેશ પાલ પી.ટી.એમ., ટી.એમ. રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાતે પધાર્યા હતા. વિશિષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રપતિ તટરક્ષક પદકથી સન્માનિત મહાનિદેશક ફ્લેગ ઓફિસર શ્રી રાકેશ પાલ ભારતીય તટરક્ષકના પ્રથમ ગનર હોવાનું ગૌરવ ધરાવે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતીય તટરક્ષકના શૂરવીર જવાનો જીવને હથેળીમાં રાખીને સમુદ્ર સીમાની સુરક્ષા કરીને દેશની સેવા કરી રહ્યા છે. ભારતીય તટરક્ષકોને મળું છું ત્યારે હું પણ જોશની અનુભૂતિ કરું છું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતીય તટરક્ષકે દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત કરી છે. નશીલા પદાર્થોની ઘૂસણખોરી અને અન્ય ગંભીર ઘટનાઓ પર નોંધપાત્ર અંકુશ આવ્યો છે.
મહાનિદેશક રાકેશ પાલે ભારતીય તટરક્ષકની વર્તમાન કામગીરીથી રાજ્યપાલને વાકેફ કર્યા હતા અને દરિયાકાંઠાના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટેના આયોજનની જાણકારી આપી હતી.