આણંદ, શુક્રવાર :: ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ બાદ જિલ્લાના બોરસદ અને પેટલાદ તાલુકાના ગ્રામ સેવા કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
બોરસદ તાલુકાના બોચાસણ ગામમાં આવેલા ગ્રામ સેવા કેન્દ્રમાં ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત શાળાના બાળકોએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ગ્રામ સેવા કેન્દ્રમાં ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ પૂજ્ય રવિશંકર મહારાજની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રાજ્યપાલશ્રીએ પેટલાદ તાલુકાના ભારેલ ગામે ગ્રામ સેવા કેન્દ્ર અને તેમાં સ્થિત કન્યાશાળાની મુલાકાત લીધી હતી. આ તકે આણંદ સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે રાજ્યપાલશ્રીને પોતાના દ્વારા લિખિત પુસ્તકની ભેટ આપી હતી.
રાજ્યપાલશ્રીની ગ્રામ સેવા કેન્દ્રોની આ મુલાકાતમાં તેમની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, પૂર્વ શિક્ષણ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના વરિષ્ઠ ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ એ. પટેલ, અધિક નિવાસી કલેકટર શ્રી આર.એસ. દેસાઈ સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ જોડાયા હતા.
રીપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ