ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો
આણંદ, બુધવાર :: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકિય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલા વાછીએલ ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઇ સોલંકીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી પ્રત્યેક વ્યક્તિ અને પરિવારનો વિકાસ સાધવાનો તેમ જણાવી ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના ભાગરૂપે સરકારની વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ “ધરતી કહે પુકાર કે” રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વિકસિત ભારત સંકલ્પ અંગે વડાપ્રધાનશ્રીનો રેકોર્ડેડ વિડીયો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં તાલુકાના પદાધિકારીઓ, વિવિધ સરકારી કચેરીના અધિકારી-કર્મચારીઓ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોટ ભૂમિકા પંડ્યા આણંદ