આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું ફરમાવ્યું
આણંદ, મંગળવાર :: આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર. એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા આણંદ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ જિલ્લાની તમામ સરકારી કચેરીના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં અનઅધિકૃત ઈસમ અથવા ઈસમોની ટોળીને ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે સરકારી કચેરી ખાતે એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી – સીધી વાતો કરીને ભોળવી/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી જાહેર જનતાના પૈસા લઈને ભાગી જતા હોવાનું તથા છેતરપીંડી કરતા હોવાનું ધ્યાને આવતા આવી પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લાની તમામ સરકારી કચેરી ખાતે સરકારી કામ માટે આવેલ હોય,
કામ કરતા હોય અથવા વ્યાજબી કામ સબબ આવેલ હોય તે સિવાયના અનઅધિકૃત ઈસમ, ઈસમોની ટોળી કે જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના ઈરાદાઓ ધરાવતી વ્યક્તિઓને જિલ્લાની તમામ સરકારી કચેરીના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઉભા રહેવા ઉપર તેમજ પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું આગામી તા. ૩૧/૦૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા તે માટે મદદ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ