Latest

સવાણી પરિવારના આંગણેથી પિતા વિનાની 75 દીકરીઓની લાગણીસભર વિદાય

મહાનુભાવોના આશીર્વાદ સાથે દીકરીઓને પિતાનો સાથ અને પતિનો હાથ મળ્યો

રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું

સુરત : પીપી સવાણી ગ્રુપ દ્વારા આજે ‘માવતર’ના નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 75 દીકરીઓ આજે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પી.પી.સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી.

લગભગ 5000 દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે. આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું.

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે રવિવારની સાંજે ઢોલ ઢબુક્યા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સાંસદ શ્રી સી.આર.પાટીલ, ગુજરાત રાજ્યના મંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા, શ્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશ માવાણી, એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના એમ.એસ.બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ જણાવ્યુ હતુ કે, “સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. સગો પિતા ન કરે દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે. પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ મહેશભાઈની બની ગઈ છે.

સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ હતું કે એ પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે. એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ એમ.એસ.બિટ્ટાએ જણાવ્યું હતું કે, જે બાળકનો કોઈ સહારો ન હોય એ બાળક, એ પરિવારનો સહારો બનીને સવાણી પરિવાર ઉભું રહ્યું છે. દીકરીને વિદાય આપીને આ પરિવાર અટકી નથી જતું પરંતુ એ પછીની તમામ જવાબદારી પણ નિભાવે છે.

મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ સમારોહ એ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે. એક પિતા તરીકે હું જયારે દીકરીઓના અભ્યાસ, આરોગ્ય સહીતની જવાબદારી ઉઠાવું છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે છે અને અમે એ જ નિભાવીએ છીએ. મારી હયાતીમાં અને મારા પછી પણ આ દીકરીઓની ચિંતા સવાણી પરિવાર કરશે.

સમાજના વિવિધ વર્ગ અને જ્ઞાતિની નિરાધાર દીકરીઓના આધાર બનવાનું એક આગવું અને ઉદાહરણીય કાર્ય કર્યું છે.

25,000 લોકોએ અંગદાનના શપથ લીધા

જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સુરતમાં છેલ્લા બે વર્ષથી અંગદાન અને જાગૃતિ માટે કાર્ય કરે છે. સમૂહલગ્નના માંડવે પ્રસંગને માણવા આવેલા મુખ્ય મહેમાનો સહિત 25,000 થી વધુ લોકોએ જીવનદીપ ફાઉન્ડેશન સાથે અંગદાનના શપથ લીધા હતા. આ ફાઉન્ડેશનના માધ્યમની અત્યાર સુધીમાં લાખો લોકો અંગદાનના શપથ લઈ ચૂક્યા છે.

અનેક જાણીતા મહાનુભાવોના 3D ચિત્ર બનાવનાર ચિત્રકાર હસમુખ માણીયાએ બનાવેલા બાપુજી શ્રી વલ્લભભાઈ સવાણીના ચિત્રનું અનાવરણ થયું હતું.

પી.પી. સવાણી સેન્ટર ફોર એક્સલન્સના ચાર વિદ્યાર્થી જેમણે ધો.12 સાયન્સમાં નીટ અને જેઈઈમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું હતું એવા યુગ રમેશભાઈ ખોખરીયા, નીલ નિતેશભાઈ લાઠીયા, ધ્રુવ રસિકભાઈ પાનસેરિયા અને સુભાષ વિનોદભાઈ માંડવીયા 1,11,111/- ના ચેક અર્પણ કર્યા હતા.

પી.પી.સવાણી પરિવારની દીકરીઓની સતત અને અવિરત સેવા આપતા 17 જેટલી સંસ્થા અને વ્યક્તિઓનું આ વર્ષે વિશેષ ઋણ સ્વીકાર કરીને એમનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

નેપાળી યુગલના લગ્ન

ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશની દીકરીઓએ સાથે આ સમૂહલગ્નમાં ભારતના પાડોશી દેશ નેપાળના એક યુગલે પણ નવજીવનની શરૂઆત કરી હતી. ક્ષત્રિય રિચા અને રોકાઈ પિર્થુપ નામના યુગલે પીપી સવાણીના માવતરના માંડવે પોતાની વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. અહીંથી નવજીવનની શરૂઆત કરવા માટે બંનેએ ખુશી વ્યકત કરી હતી.

કન્યા વિદાયે સૌની આંખો ભીંજાઈ

આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા – પિતા અને પરિવારનું હૈયુ હલાવી મૂકે છે. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશ ભાઇને ભેટીને દીકરીઓ સાસરા તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *