અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે SGVP દ્વારા આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે સંતશકિતના આશીર્વાદ, સંસ્કૃતિજતન તથા નવજાગરણ માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઈના સંકલ્પથી ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
આગામી દિવસોમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે, તે અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2003માં નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવેલી અને આજે આ સમિટ વૈશ્વિક પ્લેટફોર્મ બની ચૂકી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર આજે નાનામાં નાના માણસનું પણ ધ્યાન રાખી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થાય. સંતોના આશીર્વાદથી સૌ કોઈ આ સંકલ્પને સાકાર કરવા સહભાગી થશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
આ સ્મૃતિ મહોત્સવ પ્રસંગે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી સુવિકસિત ભારત માટે આહવાન કર્યું હતું. સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીએ સ્વાગત પ્રવચન કરી મુખ્યમંત્રી સહિત દેશભરમાંથી પધારેલા અગ્રણી સાધુસંતોએ આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં યજમાનોનું મુખ્યમંત્રી અને સ્વામીશ્રીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દેશભરમાંથી પધારેલા સાધુ-સંતો, સામાજિક અગ્રણીઓ અને હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.