અમદાવાદ: ભારતીય વાયુસેના, જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JASDF) સાથે શિન્યૂ મૈત્રી કવાયતમાં ભાગ લઇ રહી છે. આ કવાયત 13 ફેબ્રુઆરી 2023 થી 02 માર્ચ 2023 દરમિયાન જાપાનના કોમાત્સુ ખાતે યોજવામાં આવેલી ભારત-જાપાન સંયુક્ત સૈન્ય કવાયત ‘ધર્મ ગાર્ડિયન’ની સાથે સાથે યોજવામાં આવી રહી છે.
IAFની ટુકડી એક C-17 ગ્લોબમાસ્ટર III એરક્રાફ્ટ સાથે શિન્યૂ મૈત્રી 23 કવાયતમાં ભાગ લઇ રહી છે. આ કવાયત 01 અને 02 માર્ચ 2023ના રોજ હાથ ધરવામાં આવી રહી છે. કવાયતના પ્રથમ તબક્કામાં પરિવહન પરિચાલન અને વ્યૂહાત્મક દાવપેચ પર ચર્ચાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ બીજા તબક્કામાં IAFના C-17 અને JASDF C-2 પરિવહન વિમાન દ્વારા ફ્લાઇંગ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવાયતના કારણે સંબંધિત વિષયના નિષ્ણાતોને એકબીજાની પરિચાલન ફિલસૂફી અને શ્રેષ્ઠ આચરણો અંગે સંવાદ કરવાની અને તેનો અભ્યાસ કરવાની તક મળી છે. આ કવાયત IAF અને JASDF વચ્ચે પારસ્પરિક સમજણ અને આંતરકાર્યક્ષમતામાં પણ વધારો કરશે.
શિન્યૂ મૈત્રી-23 કવાયત એ બંને દેશો વચ્ચે વિસ્તરણ પામી રહેલા સંરક્ષણ સહયોગની દિશામાં લેવામાં આવેલું વધું એક પગલું હશે; તેમજ IAF સમગ્ર વિશ્વમાં વિવિધ માહોલમાં કામ કરી શકે તે માટેનું પણ પગલું છે. આ કવાયત એવા સમયે હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે ભારતીય વાયુસેનાનો હેવી લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કાફલો યુએઇમાં ‘ડેઝર્ટ ફ્લેગ VIII કવાયત’ અને યુકેમાં ‘કોબ્રા વોરિયર કવાયત’માં પણ ભાગ લઇ રહ્યો છે.