Latest

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગંગાપુરા (ધિણોજ) નો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો. ગાંધી આશ્રમ ઝીલિયા સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગંગાપુરા (ધિણોજ) ની સ્થાપના લોક આગેવાન અને શિક્ષણપ્રેમી સ્વ. પ્રતાપભાઈ ચૌધરીની પ્રેરણાથી ૧૯૭૨ માં થઈ હતી.

આ વિદ્યાલયની શિક્ષણ સાધનાને ૫૧ વર્ષ પૂર્ણ થયાના અવસરે સુવર્ણ જયંતિ મહોત્સવની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાકીય જીવન અને પ્રવૃતિઓને યાદ કરી ગુરુજનોને વંદન કર્યા હતા. તેમજ ત્રીજી પેઢી આ વિધાલયમાં શિક્ષણ મેળવી રહી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.

આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે એક દ્રષ્ટિવાન લોકનેતાનું વિઝન શું પરીણામ લાવી શકે એનું ઉદાહરણ એટલે પ્રતાપભાઈ ચૌધરી. જેમણે આ વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવી અને આપણી સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી.

સ્વતંત્રતા બાદ દેશ ઘડતરનું કાર્ય થયું જેમાં બુનિયાદી શિક્ષણની ભૂમિકા બહુ મહત્વની રહી છે. ગાયકવાડ સરકાર બાદ શિક્ષણ ક્ષેત્રે જે અભાવ સર્જાયો એને પૂરવાનું કામ પ્રતાપભાઈ જેવા સજ્જનોએ કર્યું છે.

શિક્ષણ પ્રગતિનો માર્ગ કંડારે છે, શિક્ષણ ઝુંપડામાં પણ અજવાળું કરે છે. અધ્યક્ષ એ સંસ્થાના ટ્રસ્ટીઓ, દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સંસ્થા પ્રત્યેની ભાવનાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આ પ્રસંગમાં ઉપસ્થિત થવા બદલ ખુબ રાજીપો થયો હોવાનું કહ્યું હતું.

વધુમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સંસ્થાના સાધનોનું સ્થયિકરણ કરવા પર ભાર મૂકી સફાઇ, સેવા, શ્રમ અને શિક્ષણનો મહિમા સમજાવ્યો હતો. તેમજ પૂજ્ય ગાંધીબાપુ અને પૂજ્ય રવિશંકર મહારાજના ગ્રામોત્થાન, સર્વોદય અને બુનિયાદી શિક્ષણના આદર્શો અને વિચારોને યાદ કરી ભાવિ પેઢીને તે આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો.

આધુનિકતામાં બુનિયાદી શિક્ષણ ભુલાઈ ન જાય એ જોવાની અપીલ સાથે તેમણે કહ્યું હતું કે હેપી ઇન્ડેક્સનું મૂળ બુનિયાદી શિક્ષણમાં રહેલું છે.

આ પ્રસંગે ગાંધી આશ્રમ ઝીલિયાના સંચાલક પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ, ચાણસ્માના ધારાસભ્ય દીનેશજી ઠાકોર, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી, શેઠ હરિભાઈ ચૌધરી, અગ્રણી ઉધોગપતિ અભુભાઈ દેસાઈ, દાતા દશરથભાઇ ચૌધરી, રમીલાબેન દેસાઈ, એ.પી.એમ. સી ડીસાના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજિક આગેવાનો સહિત ગંગા પૂરા, કમાલપૂરા, હરદેસણ, આંબલીપુરા, સિતાપુરા, બોદલા અને મોટપના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *