અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વના ૧૦ દેશોના ૧૨ જેટલા શિલ્પકારો ઈન્ટરનેશનલ સિમ્પોઝીયમ ‘‘શિલ્પ સંગમ’’ નો હિસ્સો બન્યા
તા. ૭ ફેબ્રુઆરી સુધી ૨૦ દિવસ સુધી ચાલનારા આ સિમ્પોઝીયમમાં દક્ષિણ કોરિયા, જાપાન, જર્મની અને રોમાનિયા સહિતના ૧૦ દેશોના ૧૨ શિલ્પકારો જોડાયા
આંતરરાષ્ટ્રીય શિલ્પકારોને ભારતીય શિલ્પ સ્થાપત્યની લાક્ષણિકતાઓ જાણવાની તક પુરી પાડવાના ઉદ્દેશ સાથે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે આવેલ સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યૂટ (SAPTI) માં તા.૧૯ જાન્યુઆરીના રોજ ઈન્ટરનેશનલ સિમ્પોઝીયમ ‘‘શિલ્પ સંગમ’’ નો બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે શુભારંભ કરાવ્યો હતો. તા. ૧૯ મી જાન્યુઆરી થી ૭ ફેબ્રુઆરી સુધી ૨૦ દિવસ સુધી ચાલનારા આ સિમ્પોઝીયમમાં દક્ષિણ કોરિયા, જાપાન, જર્મની અને રોમાનિયા સહિતના ૧૦ દેશોના ૧૨ શિલ્પકારો ભાગ લઇ રહ્યા છે. જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, સાપ્તિના સ્ટેટ ડાયરેક્ટરશ્રી વીણા પડીયા, સાપ્તીના ક્યુરેટર એન્ડ ડાયરેકટરશ્રી નીતિન દત્ત અને જીએમડીસીના અધિકારી જીયોલોજીસ્ટશ્રી ગુરૂપ્રિતસિંઘ સહિતના મહાનુભાવોએ વિદેશી મૂર્તિકારોનું અંબાજીમાં સ્વાગત છે એમ કહી ઉમળકાભેર શિલ્પ સંગમ ઉદઘાટન સમારોહને ખુલ્લો મુક્યો હતો.
અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વના ૧૦ દેશોના ૧૨ જેટલા શિલ્પકારો ઈન્ટરનેશનલ સિમ્પોઝીયમ ‘‘શિલ્પ સંગમ’’ નો હિસ્સો બન્યા છે ત્યારે સાપ્તિ દ્વારા તેમના રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિલ્પકારો ૨૦ દિવસ સુધી અહીં રહીને અંબાજી અને અરવલ્લી ગિરિમાળાના પથ્થરો પર શિલ્પકારી કરી ઉત્તમ શિલ્પોનું નિર્માણ કરશે. નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતમાં આરસપહાણની ૩૦ જેટલી ખાણો અંબાજીમાં આવેલી છે. જેમાંથી વાઈટ માર્બલ, સેકન્ડ વાઈટ, પેન્થર અને અડંગો સહિતના પથ્થરો અને ગ્રીન માર્બલ પણ નીકળે છે જેથી ગુજરાતમાં અંબાજી માર્બલનું હબ ગણાય છે.
અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ પાસે આવેલ સાપ્તી સંસ્થામાં યોજાયેલા “શિલ્પ સંગમ” સમારોહના ઉદઘાટન પ્રસંગે વિદેશી શિલ્પકારોએ પોતાના પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, અમને ગુજરાત આવીને ઘણું જ સારું લાગ્યું છે. સાપ્તિ સંસ્થા દ્વારા સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, અમે કુદરતના સાંનિધ્યમાં પુરતી સ્વતંત્રતા સાથે અમારી કળાને પ્રદર્શિત કરી શકીએ એ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. જેથી અમે ઉત્તમ શિલ્પ તૈયાર કરી શકીશું. વધુમાં તેમણે મા અંબાનો જયકાર કરી શિલ્પ કામગીરીનો નમૂનો મીડિયા સમક્ષ પ્રદર્શિત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ‘‘SAPTI’’ એ ભારતીય શિલ્પકારોના કૌશલ્ય- વર્ધન માટે કાર્યરત સંસ્થા છે. વિશ્વના શ્રેષ્ઠ સ્ટોન આર્ટિસ્ટો કે જેમણે પોતાના દેશમાં પોતાની શિલ્પકારીમાં નામ બનાવ્યું છે એવા ઉત્તમ કલાકારોને આ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝીયમ ‘‘શિલ્પ સંગમ’’ માં સાપ્તિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અંબાજી પ્રહલાદ પૂજારી