સુરતના ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે કનેક્ટ કરવા સાથે માર્ગ વ્યવસ્થાને વધુ સુગમ, સરળ બનાવાશે: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
BPMC કલમ ૨૧૦ હેઠળ સુરતમાં રસ્તા વિકાસ માટે જમીન કબજાની કાર્યવાહી બાબતે બેઠક યોજતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા
સુરત મહાનગરપાલિકા વિસ્તરણ અંતર્ગત માર્ગોની ઝડપી કામગીરી માટે મંત્રીશ્રીએ સુરત મનપા અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓને આપ્યા સૂચનો
શહેરોના ગતિશીલ વિકાસ સાથે નવનિર્માણ અને વિસ્તરણ પણ અનિવાર્ય હોવાનો મત વ્યક્ત કરતા શિક્ષણ રાજ્ય મંત્રી
સુરત, તા. ૨ મે ૨૦૨૫: સુરત મહાનગરપાલિકા હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે અસરકારક રીતે જોડવા તેમજ માર્ગ વ્યવસ્થા, યાતાયાતને વધુ સુગમ અને સરળ બનાવવા માટે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સુરત મનપા અને મહાનગરપાલિકા અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં BPMC એક્ટ હેઠળની કલમ ૨૧૦ અનુસાર લાઇન દોરીમાં આવતા જમીનમાલિકોની મિલકતોમાંથી કાયદેસરની પ્રક્રિયા દ્વારા કબજો મેળવી જરૂરી માર્ગોનું નિર્માણ કરવામાં આવે તે અંગે શિક્ષણ રાજ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાએ અધિકારીઓ સાથે ઝીણવટભરી ચર્ચાવિચારણા કરી હતી. વરાછા ઝોન- એ માં પરવત પાટિયા કેનાલથી સણિયાથી કડોદરા મેઇન રોડ, વરાછા ઝોન- બીમાં મોટા વરાછાથી અબ્રામાથી વેલંજા રોડ, મોટા વરાછાથી દુ:ખીયાના દરબારવાળા ગોથાણ સુધીનો રોડ, અબ્રામાથી વેલંજા રોડ, અબ્રામાથી ભરથાણા રોડ, સરથાણાથી પાસોદરાથી વાવ રોડ, સરથાણાથી ગઢપુરથી હાઇ વે તરફનો રોડ, લસકાણાથી પાસોદરા રોડ અને લસકાણાથી ખોલવડ રોડને પહોળા કરવા માટે લાઇન દોરીમાં આવતા જમીનમાલિકોની મિલકતોમાંથી કાયદેસરની પ્રક્રિયા દ્વારા માર્ગનિર્માણની કામગીરી કરવામાં આવશે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરી વિસ્તારની વધતી વસ્તીને ધ્યાને લઈને લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તે માટે શહેરી વિસ્તારનું વિસ્તરણ કરીને વધુ ગામોને સુદ્રઢ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવ્યા છે,
ત્યારે મહાનગરપાલિકા તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓને વિકાસના કામોમાં વિલંબ ન કરવા અને અને જનહિતમાં જરૂરી તમામ પગલાંઓ લઇને વિકાસકામોને ઝડપથી પૂર્ણ કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. શહેરના વિસ્તરણ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સુનિયોજન પણ યોગ્ય અને ઝડપભેર થવું જોઈએ એ વિષય પર પણ તેમણે ભાર મુક્યો હતો.
શ્રી પાનશેરીયાએ ઉમેર્યું કે, શહેરના વિસ્તરણની દિશામાં ઉદાહરણરૂપ આયોજન અને કાર્યાન્વયન દ્વારા નવી વસાહતોને પૂરતી સુવિધા તેમજ જોડાણ પૂરું પાડવું રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે.
નાગરિકોના સહયોગ અને સમજદારીથી આ કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે. શહેરોમાં પ્રાથમિક સુવિધાઓ, રોડરસ્તાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસનનું દાયિત્વ છે જ, સાથોસાથ નાગરિકોના સહયોગ, સ્થાનિક સંસ્થાઓની ભાગીદારી અને વિઝનથી ભરેલા આયોજનની ભૂમિકા પણ અપેક્ષિત હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં સુરત મનપા અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વિસ્તારો પ્રમાણે માર્ગ વિકાસની કામગીરીના તબક્કાવાર અહેવાલો રજૂ કરાયા હતા.