વર્ષનો છેલ્લો દિવસ હોય ત્યારે દરેક વ્યક્તિ અને તેમાં પણ મહત્તમ ડાન્સ, ડીજે, પાર્ટીઓ અને મહેફિલોની મોજમાં હોય છે. ત્યારે છેલ્લો દિવસ વધુ યાદગાર બને તેમજ કુદરત તરફથી સ્વસ્થ્ય શરીર મળ્યું હોય તો અન્યોના જીવનમાં શક્ય તેટલા વધુ ઉપયોગી થઈએ તે હેતુથી અંકિતા મુલાણીએ આજે બીજીવાર રક્તદાન કર્યું હતું. તે અગાઉ વર્ષની શરૂઆતમાં તેઓએ થેલેસેમિયા પીડિત બાળકો માટે સૌપ્રથમવાર રક્તદાન કર્યું હતું. તે પછીથી હોમોગ્લોબિન લેવલ ઓછું આવતાં રક્તદાનનો સંકલ્પ સિદ્ધ થઈ શકતો નહોતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “રક્તદાન એ દરેક દાનથી સવાયું દાન છે એટલા માટે કે રક્ત કુદરતની દેણ છે. તે કોઈ કરોડોની ફેક્ટરીની બાયપ્રોડકટ નથી. ભગવાને નિરોગી અને તંદુરસ્ત શરીર આપ્યું હોય તો સમયાંતરે રક્તદાન કરીને અન્યોને ઉપયોગી થવું જોઈએ. અને દાનત હોય તો જ દાન થાય. માણસ જ માણસને ઉપયોગી થશે તો માનવતાની મહેક પ્રસરાશે અને એ સુગંધ અન્યોના જીવનને પણ સુગંધિત કરશે”.
અંકિતા મુલાણી સયુંકત પરિવારમાં રહીને જુડવા દીકરીઓની માતાની જવાબદારી નિભાવે છે. તેમજ તેમનાંથી થતું દરેક સેવકીય કાર્ય ખૂબ નિષ્ઠાથી કરે છે. કદાચ એમ કહેવાય કે તેમનું જીવન આ સમાજને અને રાષ્ટ્રને સમર્પિત કરીને જીવે છે. તેમની વાતોથી હજારો લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યા છે અને લોકોની જીવન જીવવાની રીત બદલાઈ છે. ઉત્તમ નારીત્વના ઉદાહરણ એવા શ્રી અંકિતા મુલાણીના આ કાર્યને વંદન કરીએ છીએ, અને તેમના કાર્યોને જોઈને અન્ય લોકોને પણ પ્રેરણા મળે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.