વડોદરા, સંજીવ રાજપૂત: દેશભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં નિત્ય સ્વચ્છતાની ગૂંજ ફેલાવવા ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે વિવિધ પદાધિકારીઓની આગેવાની હેઠળ લોકોએ મહાશ્રમદાન કર્યુ હતું.
જે અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ વડોદરા જિલ્લાના પોર સ્થિત પ્રસિદ્ધ બળિયાદેવ મંદિર પરિસરની સ્વચ્છતા માટે શ્રમદાન કરી સ્વચ્છ ભારતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રારંભે મંત્રીશ્રી સાથે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ બળિયાદેવના દર્શન કર્યા હતા.
આ પ્રંસગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન હેઠળ શરૂ થયેલું ‘સ્વચ્છ ભારત મિશન’ આજે એક રાષ્ટ્રવ્યાપી જનઆંદોલન બની ચૂક્યું છે.
શિક્ષણ રાજ્યમંત્રીએ આપણી આસપાસનો વિસ્તાર, બાગ-બગીચા, ધાર્મિક સ્થળ કે કોઈ પણ જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કર્યુ હતું.
મંત્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહીડા, અગ્રણી સતીષ પટેલ, જિલ્લા કલેકટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હીરપરા, વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંકિતા પરમાર ઉપરાંત વિવિધ પદાધિકારીઓ , પ્રાંત અધિકારી સહિત તાલુકાના ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ, એમ. એસ. યુ. ના સમાજ કાર્ય વિભાગના વિદ્યાર્થીઓ એ પણ બળિયાદેવ મંદિરને સ્વચ્છ બનાવવા શ્રમદાન કર્યું હતું.
આ પ્રસંગે પાનશેરીયાએ વડોદરા તાલુકા પંચાયતમાંથી છેલ્લા ત્રણ દિવસમાં એકત્ર કરાયેલા ૨૦૦ કિ.ગ્રા. પ્લાસ્ટિક કચરાને લઈને જતી ગાડીને લીલી ઝંડી બતાવી હતી. આ પ્લાસ્ટિક કચરો વેસ્ટમાંથી લોકોપયોગી વસ્તુઓ બનાવતી એક એન. જી. ઓ. ને આપવામાં આવશે. સાથે સાથે આ જ સંસ્થા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવેલા કુંડાને જોઈને મંત્રીશ્રીએ સમગ્ર પ્રકિયા અને વિગતો જાણી પ્રસંશા કરી હતી.
‘સ્વચ્છતા હી સેવા’ ની એક માસની ઉજવણી અન્વયે ‘એક તારીખ, એક કલાક’ મહાશ્રમદાન સૂત્ર સાથે મેગા સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે વડોદરા જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મહા શ્રમદાન પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. આ અભિયાનને સફળ બનાવવા તમામ તાલુકાઓમાં ધારાસભ્યો,
પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો જોડાયા હતા. એમ. એસ. યુનિ.ના સમાજ કાર્ય વિભાગના વિદ્યાર્થીઓ પણ આ અભિયાન અંતર્ગત મહાશ્રમદાન અભિયાનમાં વિવિધ તાલુકા મથકો ઉપરાંત ગામડાંઓમાં આ કામગીરીમાં જોડાયા હતા.
આ ઉપરાંત કરજણના કરમડી, પાદરાના ગોરીયાદ, ડભોઇના બહેરામપુરા, વાઘોડિયાના નીમેટા ગામે, સાવલીના મુવાલ, ભાટપુર, ઉદેપુર ગામે ધારાસભ્યઓ, શિનોર તાલુકા પંચાયત પ્રમુખશ્રી મોટા કરાળા ગામે અને પાદરા તાલુકા પંચાયત પ્રમુખ કોટણા ગામે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.