Latest

અમરેલીના માળીલા ગામના જશનું બાળપણ ફરી ધબકતું થયું !

જન્મજાત હૃદયના છિદ્રની બિમારીમાંથી મળી મુક્તિ :
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના માધ્યમ બન્યું નવજીવન આપનારું

ગુમસૂમ રહેતો ૧૧ વર્ષનો જશ રમતો-ભમતો થતા પરિવારમાં ખુશી

જશની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી : ખાનગી હોસ્પિટલમાં રુ.૨ થી રુ.૨.૫૦ લાખનાં ખર્ચે થતી સારવાર નિ:શુલ્ક મળી

૧,૦૦૦ બાળકોએ ૫-૬ બાળકોમાં જોવા મળે છે કન્જેનાઈટલ હાર્ટ ડિસિઝ

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓની વર્ષમાં એક વખત અને આંગણવાડીના બાળકોની વર્ષમાં બે વખત  આરોગ્ય તપાસણી થાય છે

અમરેલી તા.૩ મે ૨૦૨૫ (શનિવાર) અમરેલીના માળીલા ગામનો ધોરણ ૬માં અભ્યાસ કરતો જશ પાનસુરિયા શાળામાં ઉત્સાહવિહીન અને ગુમસૂમ રહેતો. કારણ હતું, કન્જેનાઈટલ હાર્ટ ડિસીઝ. સરળ ભાષામાં કહીએ તો તેને જન્મજાત હૃદયમાં ખામી. જેમાં હૃદયમાં આવેલી બે ચેમ્બર વચ્ચેની દીવાલમાં કાણું હોય છે. આ ગંભીર બિમારીમાંથી જશને ઉગારે છે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. આ યોજના હેઠળ લાભાર્થી બાળકને નિઃશુલ્ક સારવાર મળવાથી તે બિમારી મુક્ત થાય તે ઉદ્દેશ્ય છે.

ગુમસૂમ રહેતા જશનું બાળપણ પણ આ સારવારના પરિણામે પુનઃ ધબકતું થયું છે અને નવા ઉત્સાહ ઉમંગ સાથે રમતો-ભમતો રહેવાની સાથે તે હવે અભ્યાસરત રહે છે. ૧૧ વર્ષના જશની અમદાવાદ ખાતેની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી.

આ સંદર્ભમાં જશના પિતા શ્રી દિલીપભાઈ પાનસુરિયા જણાવે છે કે, અહીં નિષ્ણાંત તબીબોએ બિમારી વિશે વાકેફ કરવાની સાથે તબીબી જોખમો એટલે કે ઓપન હાર્ટ સર્જરી વિશે પણ તેમણે જાણકારી અને માર્ગદર્શન આપ્યા હતા. પ્રમાણમાં આ જટિલ સર્જરી હોવાથી થોડો મનમાં ભય પેસેલો હતો. પરંતુ તબીબોની મહેનત અને ઈશ્વર કૃપાથી સફળતાપૂર્વક સર્જરી થઈ.

સર્જરી થયાના આજે છ-સાત મહિના વીત્યા છે, જશમાં એક નવી ઉર્જા અને સ્ફૂર્તિ જોવા મળે છે. જે ગુમસૂમ રહેતો હતો, તેની જગ્યાએ તે હવે ઉત્સાહિત રહે છે, રમતો રહે છે. તેઓ કહે છે કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન જશને આ ગંભીર બિમારી હોવાનું સામે આવ્યું હતું.

આ પૂર્વે પણ જશ જ્યારે દોઢ-બે વર્ષનો હતો, ત્યારે એક ખાનગી ડોક્ટરે આ બિમારી અંગે જણાવ્યું હતું. પરંતુ તે સમયે ઓપરેશનની આવશ્યકતા ન હતી તેમ પણ આ ખાનગી ડોક્ટરશ્રીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યુ કે, જશને આ બિમારીમાંથી બહાર લાવવામાં આરબીએસકે (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ)ની ટીમનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે.

અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે જરુરી તપાસ અને કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ અમદાવાદ યુ. એન. મહેતા હોસ્પિટલમાં રિફર કરવા સુધી ખૂબ સહયોગ સાંપડ્યો છે. આ ઉપરાંત યુ.એન. મહેતા હોસ્પિટલના ડોક્ટરશ્રીઓ પણ એટલો સહયોગ મળ્યો હતો.  જશનું ઓપરેશન એક પણ રૂપિયો ખર્ચ્યા વગર થયું હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આરબીએસકે ટીમના આયુષ ડૉ. અલ્પેશ નિમાવત કહે છે કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓની વર્ષમાં એક વખત અને આંગણવાડીના બાળકોની વર્ષમાં બે વખત આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. આ આરોગ્ય તપાસણી દરમિયાન જ જશ પાનસુરિયાને કન્જેનાઈટલ હાર્ટ ડિસીઝ હોવાની શંકા લાગતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં જરુરી આરોગ્ય તપાસ કરવામાં આવી અને આ અંગે ખાતરી થતાં અમદાવાદ ખાતેની યુ.એન.મહેતા હોસ્પિટલમાં તેને રિફર કરવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ હાલ આ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે,  તેનું  બે વખત ફોલોઅપ પણ કરવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યુ કે, સામાન્ય રીતે આ બિમારીની સારવાર કે ઓપરેશન માટે રુ.૨ થી રુ.૨.૫૦ લાખનો ખર્ચ થતો હોય છે. પરંતુ આરબીએસકે યોજનાના પરિણામે આ ઓપરેશન તદ્દન નિ:શુલ્ક થયું છે.  તેઓ કહે છે કે, ૧૦૦૦ બાળકોએ ૫ – ૬ બાળકોમાં કન્જેનાઈટલ હાર્ટ ડિસીઝ કેસ જોવા મળતા હોય છે.

આ જન્મજાત બિમારી પાછળ કોઈ ચોક્કસ કારણો સ્પષ્ટ નથી. જીનેટીક, પ્રેગનેન્સી સમસ્યા, દવાઓની આડઅસર હિમોગ્લોબીનની ઉણપ વગેરે હોઈ શકે છે.  બિમારીથી બચવા માટે ગર્ભાવસ્થા દરમિયાન જરુરી સાવચેતીઓ રાખવામાં આવે તો મહદઅંશે આ બિમારીથી બચી શકાય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સતત 10 વર્ષથી એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ મહિલા કોર્પોરેટર દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ જામનગરના મહિલા કોર્પોરેટર…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 612

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *