ગાંધીનગર, સંજીવ રાજપૂત : વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત હેલિપેડ, ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ ની આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. વેપાર, ઉદ્યોગ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતે ભરેલી હરણફાળનું પ્રદર્શન જોઈને તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.
એનર્જી પેવેલિયન, હૉલ નંબર -૮માં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા રાજ્યપાલશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલએ વન વિભાગના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. વનમંત્રી મૂળૂભાઈએ વન વિભાગ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી વેટલેન્ડ, ગીર ફોરેસ્ટ, મેન્ગૂવના જંગલો,ગુજરાતના વન્ય જીવો, કોસ્ટલ ઈકો સિસ્ટમ, ક્લાઈમેટ ચેન્જ વગેરે વિશે રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા.
રાજ્યપાલએ આ દરમિયાન ગીર જંગલની વીઆર 360 ટેકનોલોજી આધારિત આઠ મિનિટની વર્ચ્યુઅલ ટુર કરી હતી, જ્યારે જાયન્ટ સ્ક્રીન ઓગમેન્ટેશન ટેકનોલોજીનો પ્રત્યક્ષ અનુભવ પણ કર્યો હતો.
આ પેવેલિયનમાં રાજ્યપાલએ હરિ ગ્રુપના સ્ટોલની મુલાકાત લઈને વેસ્ટ મેનેજમેન્ટ, વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લીથીયમ બેટરી, પરંપરાગત ઊર્જા અને ઔદ્યોગિક ગેસ વિશે માહિતી મેળવી હતી.
રાજ્યપાલએ ટ્રેડ શૉના મુખ્ય એવા ઈન્ટરનેશનલ પેવેલિયનમાં જાપાન- JETRO, મોઝામ્બિક સ્ટોલમાં કૃષિ વિષયક, ધ એમીરાત ગ્રૂપ દ્વારા અમદાવાદમાં નિર્માણ પામનાર લૂલૂ મોલનું મોડેલ નિહાળીને વાઈબ્રન્ટ ગુજરાત થ્રીડી શોની અનુભૂતિ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ઝીરો એમિશન’ના સ્વપ્નને સાકાર કરવાના ધ્યેય સાથે આયોજિત ‘ઈ-મોબિલિટી’ પેવેલિયનમાં રાજ્યપાલશ્રીએ મારુતિ સુઝુકી દ્વારા આગામી સમયમાં નિર્માણ પામનાર ઈ- કાર અને ઈ- એર ટેક્સી SKY Driveની વિશેષ માહિતી મેળવી હતી.
ભારત સરકારના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના સ્ટોલ પર સ્વદેશી યુદ્ધ વિમાન ‘તેજસ’ અને લાઈટ કોમ્બેક્ટ હેલિકોપ્ટરનું ટેકનોલોજી આધારિત પ્રદર્શન નિહાળીને એચએએલના ઈજનેરો સાથે સ્વદેશી ટેકનોલોજી અંગે સંવાદ પણ કર્યો હતો. આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલય અંતર્ગત ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલેન્સ સ્ટોલ, BEML, ઊર્જા ઈ- ટ્રેક્ટર, ટાટા ગ્રુપના ઈ -વાહન આધારિત સ્ટોલ, ભારતીય વાયુદળ માટે તૈયાર થનાર ઈન્ડિયા C 295 મલ્ટી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, સ્ટારબસ -EV તેમજ વિવિધ ચાર્જિંગ સ્ટેશનની વિગતો મેળવી હતી.
રાજ્યપાલશ્રીએ ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સાયન્સ એન્ડ ટેકનોલોજી પેવેલિયનની મુલાકાત લીધી હતી. જેમાં ઇસરો દ્વારા ચંદ્રના અભ્યાસ માટે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવેલ ‘ચંદ્રયાન-૩’ની પ્રતિકૃતિ તેમજ સૂર્યના અભ્યાસ માટે કાર્યરત ‘આદિત્ય-L1’ મિશન અંગેના પ્રદર્શનને રસપૂર્વક નિહાળીને ઈસરોના વૈજ્ઞાનિકો સાથે સંવાદ કર્યો હતો.
આ ઉપરાંત નાસકોમ અને માઈક્રોનના સ્ટોર્સની પણ રાજ્યપાલશ્રીએ મુલાકાત કરી હતી. આ મુલાકાત વેળાએ લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી અને તેમના પરિવારજનો પણ સહભાગી થયા હતા. આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર સહિત ઉચ્ચ અધિકારીઓએ રાજ્યપાલને ટ્રેડ શોની વિસ્તૃત વિગતો આપી માહિતગાર કર્યા હતા.