કેશોદ તાલુકાના કારવાણી ગામમાં ગત તારીખ 28-12-2025ના રોજ મયુરભાઈ અમુભાઈ ધાના દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે મયુરભાઈના પિતા અમુભાઈ ધારાભાઈ ધાનાએ પોતાના જ ગામના અનિરૂદ્ધસિંહ ભોજુભાઈ જખીયા વિરુદ્ધ ઘાકધમકી અને માનસિક ત્રાસ આપ્યાનો આરોપ લગાવી કેશોદ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.
આ મામલે આજે કારવાણી ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે મયુરભાઈ તથા તેમના પિતા અમુભાઈ બંનેને દારૂ પીવાની આદત હતી અને તેઓ અવારનવાર ગામમાં ઝઘડા અને માથાકૂટ કરતા હતા. તેમજ ખોટી પોલીસ ફરિયાદો નોંધાવવાની ટેવ પણ તેમની હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પિતા અને પુત્ર સામે અગાઉ પણ અનેક પોલીસ કેસ નોંધાયેલા છે અને તેમનો સ્વભાવ માથાભારે તથા ઝનૂની હોવાનું સમગ્ર ગામમાં જાણીતું છે. આવા સંજોગોમાં ગામના નિર્દોષ રહેવાસી અનિરૂદ્ધસિંહ જખીયા પર લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા અને આધારવિહોણા હોવાનું ગ્રામજનોએ આવેદનપત્રમાં સ્પષ્ટ કર્યું હતું.
આવેદનપત્રમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ખોટા આરોપો લગાવી અનિરૂદ્ધસિંહ જખીયાની સમાજમાં બદનામી કરવામાં આવી રહી છે તેમજ તેમની કારકિર્દી પર પણ પ્રતિકૂળ અસર થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે, જે ન્યાયસંગત નથી. તેથી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી નિર્દોષ વ્યક્તિને ન્યાય અપાય તેવી માંગ ગ્રામજનોએ કરી હતી.
આ મામલે કેશોદ પોલીસે આવેદનપત્ર સ્વીકારી યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ શોભના બાલશ કેશોદ જુનાગઢ
















