Breaking NewsLatest

વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનો પ્રથમ દિવસ

ભાવનગરના મહુવા ખાતે રૂ.૨૫ કરોડના કુલ ૨૨૧ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશે વિકાસની એક નૂતન તરાહ તરાસી છે-સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ

રાજ્યની ૨૦ વર્ષની વિકાસ યાત્રાથી સમાજના અંતિમ છેવાડાના માનવીને લાભ થયો છે ત્યારે આ ૨૦ વર્ષની વિકાસ યાત્રાની વાત લઈને રાજ્યભરમાં શરૂ થયેલાં ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત આજે પ્રથમ દિવસે ભાવનગરના મહુવા ખાતે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે રૂ. ૨૫ કરોડના કુલ-૨૨૧ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કર્યું હતું.

મહુવાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વિકાસની એક નૂતન વિકાસની તરાહ તરાસી છે.

આપણાં દેશનું વિકાસ મોડલ આજે ફક્ત દેશમાં નહીં પણ વિદેશમાં પણ નોંધ લેવી પડે તે પ્રકારે દેશમાં વિકાસ થયો છે.

તેમણે જણાવ્યું કે, સમાજના અંતિમ છેવાડે બેઠેલાં લોકોના જીવન ધોરણમાં સુધારો આવે તેવી વિકાસયાત્રા તેમના નેતૃત્વમાં સમગ્ર દેશભરમાં અને ગુજરાતમાં ચાલી રહી છે.

મહિલાઓ, બાળકો, યુવાનો, ખેડૂતો, શ્રમજીવીઓ માટે અનેક પ્રકારની યોજનાઓ બનાવી તેમના જીવન ધોરણમાં સુધારો આવે અને તેઓ વિકાસની મુખ્યધારામાં આવે તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

૩ કરોડથી વધુ લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. દેશની ૯ કરોડ મહિલાઓ ઉજ્જવલા ગેસથી ચૂલાના ધુમાડામાંથી મુક્ત થઈ છે. તે સાથે મહિલાઓને આત્મસન્માન અને ગૌરવ પણ મળ્યું છે. દેશમાં પાણી, રસ્તા, ગટર, ગાર્ડન સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, લોકોનો વિશ્વાસ ન મળે ત્યાં સુધી વિકાસ ન થઈ શકે. ભારત જેવો વિવિધતા ધરાવતો દેશ એકતા વગર અને જાગૃતિ વગર આગળ ન વધી શકે. આ માટેનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુપેરે કરી બતાવ્યું છે.

કોરોના કાળમાં જાગૃતિને કારણે આપણે કોરોનાને મ્હાત આપી શક્યા છીએ તે તેનું સૌથી મોટું જ્વલંત ઉદાહરણ છે તેમ જણાવી તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશભરમાં રસીકરણ અભિયાન ચલાવીને લોકોને બે ડોઝ આપી દીધા છે. કોરોના કાળમાં વિશેષ પેકેજ પણ આપ્યું હતું. દેશના ૮૦ કરોડ લોકોને ઘરે અનાજ પહોંચાડીને તેમને ભૂખ્યા સુવા દીધા નથી. કોરોનાની રસી આપણાં દેશમાં બનતી નહોતી તેને બનાવવાની શરૂઆત કરીને ‘આત્મનિર્ભર ભારત’માટેનું પણ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

આગામી દિવસોમાં વડાપ્રધાનશ્રીની ભાવનગર મુલાકાત સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભાવનગર ખાતે વિશ્વનું સૌથી મોટું સી.એન.જી. ટર્મિનલ આકાર પામવા જઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ ભારતની આંતરિક સાથે બાહ્ય સુરક્ષા માટે પણ મજબૂત કદમ ઉઠાવ્યાં છે. જેને લીધે આજે ભારતની નોંધ સમગ્ર વિશ્વભરમાં આદર સાથે લેવામાં આવી રહી છે.

આ‌ અવસરે ‘૨૦ વિશ્વાસની વિકાસ ગાથા’ દર્શાવતી માહિતી ખાતાની ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશ વસાવાએ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે મહુવા નગરપાલિકાના પ્રમુખશ્રી ગીતાબેન મકવાણા, પ્રાંત અધિકારીશ્રી કુસુમબેન પ્રજાપતિ,  ડી.વાય.એસ.પી. શ્રી મિહિર બારૈયા, મામલતદાર શ્રી એન.એસ. પારિતોષ, નગરપાલિકાના સભ્યો, સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ-અધિકારીઓ અને મહુવાના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *