વિવિધ રમત ક્ષેત્રે નામના મેળવનાર દિકરીઓનું સન્માન કરાયું
આણંદ, ગુરૂવાર :: આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ઉપક્રમે પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ, સાંગોળપુરા, આણંદ ખાતેના કાર્યક્રમમાં કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ દીકરીઓને ભણાવવા પર ખાસ ભાર મૂકીને દીકરી ભણી ગણીને આગળ વધશે તો ગામ અને સમાજનું નામ રોશન કરશે તેમ જણાવી પોતાના પરીવારનું દ્રષ્ટાંત આપી મારી બન્ને બહેનોને મારા પિતાએ શિક્ષણ આપ્યું હોઇ હાલમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ નિભાવી રહી છે તેમ જણાવી શિક્ષણનું મહત્વ શું છે અને દીકરીઓને કેમ શિક્ષણ આપવું જોઈએ તે વિશે સૌને માહિતગાર કરી દિકરીઓને શિક્ષિત બનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સૌ દીકરીઓ અને મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છા પાઠવી હતી તથા વિવિધ રમતોમાં નામના મેળવનાર વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રી માનસીબેન મહિડા, નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રી નીપાબેન પટેલ, જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ શ્રી આશાબેન દલાલના હસ્તે ખેલ મહાકુંભમાં વિજેતા બનેલ લાભાર્થીઓ, કલા મહાકુંભના વિવિધ ક્ષેત્રમાં વિજેતા થયેલા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વહાલી દિકરી યોજના ના મંજૂરી હુકમનો પણ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જેમને ત્યાં દીકરીનો જન્મ થયો છે તેવી દીકરીઓની માતાઓને દીકરી વધામણા કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત બેઝ બોલ, સોફ્ટ બોલ, આર્ચરી, જુડો, અંડર ૧૯ ની દીકરીઓને ટ્રેકસૂટનું વિતરણ પણ આ તબક્કે કરવામાં આવ્યું હતું.તેજસ્વિની બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી તથા બાલિકા સરપંચ સહિત દીકરીઓને સન્માનવામાં આવી હતી.
કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આ તબક્કે વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી કચેરીના કર્મીઓ સહિત મોટી સંખ્યામાં દિકરીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ