Latest

કાલે વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે: રાજ્યના 23 અભ્યારણ્યો પૈકી જામનગરના ખીજડીયા ખાતે ૩૦૦થી પણ વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે

જામનગર, સંજીવ રાજપૂત: વર્લ્ડ એનિમલ વેલ્ફેર દિવસ દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસનો  હેતુ પ્રાણીઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો અને સમગ્ર વિશ્વમાં પ્રાણી કલ્યાણના ધોરણને વધારવાનો છે.

વર્લ્ડ એનિમલ વેલ્ફેર દિવસની શરૂઆત કોણે કરી?
વર્લ્ડ એનિમલ ડેનું આયોજન હેનિરક જીમરમને 24 માર્ચ 1925 ના રોજ જર્મનીના બર્લિનમાં આવેલા સ્પોર્ટ્સ પેલેસમાં કર્યું હતું. 1929 થી આ દિવસ 4 ઓક્ટોબરના રોજથી મનાવવામાં આવે છે.

સૌ પ્રથમવાર આ જર્મનીમાં શરુ કરવામાં આવ્યું અને ત્યારબાદ તે ધીમે-ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું.વર્ષ 1931 માં ફ્લોરેન્સ, ઈટલીમાં આયોજિત પશુ સંરક્ષણ સંમેલનને વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે તરીકે 4 ઓક્ટોબર નક્કી કરવા માટે પ્રસ્તાવ પ્રસાર કર્યો અને તે પ્રસ્તાવને મંજૂર કર્યો.

પ્રાણીઓના મહાન આશ્રયદાતા એવા સેન્ટ ફ્રાન્સિસને પ્રાણીઓના મહાન સંરક્ષક માનવામાં આવતા હતા. એવું કહેવામાં આવે છે કે જ્યારે સેન્ટ ફ્રાન્સિસ ઉપદેશ આપતા ત્યારે પ્રાણીઓ તેમની આસપાસ ભેગા થતા હતા. તેમનો જન્મદિવસ પણ ૪ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.

વન્યજીવોના રક્ષણ માટે સરકાર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ તેમની રક્ષા માટે સરકારે વિવિધ પ્રકારના કાયદા ઘડ્યા છે. વન્ય પ્રાણીઓનો શિકાર કરવા કે તેને પકડવા પર પ્રતિબંધ, અભયારણ્યમાં પરવાનગી વગર પ્રવેશવા પર તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પશુઓને ચરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અને આ ગુનાઓ માટે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. વન્યજીવોની સુરક્ષા માટે દેશમાં અભ્યારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે. તે પૈકી ગુજરાતમાં 23 અભ્યારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલ છે. જે અભ્યારણ્યો પૈકી 1 અભયારણ્ય જામનગર જિલ્લાનું ખીજડીયા પક્ષી અભયારણ્ય છે.

ખીજડીયા પક્ષી અભયારણ્ય એ જામનગરથી 12 કિ.મી. દૂર જામનગર-રાજકોટ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણ ઉભું કરતું રમણીય સ્થળ છે.

605 હેકટરમાં ફેલાયેલ આ જલપ્લાવિત અભયારણ્યમાં વર્ષ-2023મા થયેલ પક્ષી ગણતરી મુજબ 300થી પણ વધુ પ્રકારના પક્ષીઓ સહિત કુલ 1,25,638 જેટલા પક્ષીઓની સંખ્યા નોંધાયેલી છે.

તેમજ 3 ફેબ્રુઆરી 2022 ના દિવસે આ અભ્યારણ્યને રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત થતાં સમગ્ર ગુજરાતના ગૌરવમા વધારો થયો છે. અને 27 સપ્ટેમ્બર 2023ના રોજ ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના ખીજડીયા ગામને સિલ્વર કેટેગરી અંતર્ગત ‘બેસ્ટ ટુરીઝમ વિલેજ-2023’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ખીજડીયા પક્ષી અભયારણ્ય  ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે . અહી યાયાવર પક્ષીઓની જાતિઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે.

મનુષ્ય તરીકે આપણી પણ ફરજ બને છે કે આપણે સૌએ ભેગા મળીને પશુઓની રક્ષા કરવી જોઈએ જેમકે રખડતાં પશુઓ, તેમને પડતી મુશ્કેલીઓ, તેમનાં થતાં અકસ્માત પર તેમની સારવાર કરી તેને સાજા કરવા.

તે ઉપરાંત લોકો થકી ગમે ત્યાં કચરાઓ ફેકાય છે તેની સાથે જે પ્લાસ્ટિક બેગ પણ એ કચરામાં હોવાથી રખડતાં ઢોર એ કચરા સાથે આરોગે છે અને તેનાથી તેને ઘણું નુકશાન પહોંચે છે, તો આ વાત આપણે સૌ કોઈએ સમજી ગમે ત્યાં કચરા ન ફેકતા, તેમજ પ્લાસ્ટિક બેગ ગમે ત્યાં ન ફેકતા પશુઓને આપણે બચાવી શકીએ છીએ. અને તેને એક નવું જીવન આપી શકીએ છીએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 552

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *