ભારતીય સેનાના સન્માનમાં યોગીચોક-કિરણચોક-કારગીલ ચોક સુધી આયોજિત ‘તિરંગા યાત્રા’ને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ફ્લેગ ઓફ કરાવ્યું
ભારતીય સેનાએ અદ્દભૂત શૌર્યના દર્શન કરાવ્યા: દેશ ઉપર કોઈ પણ આપત્તિનો સામનો કરવા તેમજ આતંકીઓને પાળનાર પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓને ખાત્મો કરવા ભારતીય સેના સક્ષમ: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
સુરત:શુક્રવાર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સુરતના યોગીચોકથી કારગીલ ચોક સુધીની તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કામરેજ ધારાસભ્ય અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ભારતીય સેનાએ મા ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં તિરંગા યાત્રામાં પુરૂષો સિંદૂર તિલક કરી અને મહિલાઓ લાલ સાડી સાથે સેંથામાં સિંદૂર પૂરી જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકોએ યાત્રામાં જોડાઈને ‘ભારત માતા કી જય અને વંદે માતરમ્’ના જયઘોષ સાથે ભારતીય સૈનિકોના અભૂતપૂર્વ પરાક્રમને બિરદાવ્યું હતું. શાળાના બાળકો ભારત માતા, વીર સૈનિકોના વસ્ત્રો ધારણ કરી જોડાયા હતા. યાત્રાના રૂટમાં રોડની બંને તરફ રાષ્ટ્રભક્તિના ગીતો અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા નારાઓ સાથે લોકોએ હાથમાં તિરંગો લઈ યાત્રાને આવકારી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતીય સેનાએ અદ્દભૂત શૌર્યના દર્શન કરાવ્યા છે અને પહલગામ આંતકી હુમલાનો વટભેર બદલો લીધો છે. દેશની ઉપર કોઈ પણ આપત્તિનો સામનો કરવા તેમજ આતંકીઓને પાળનાર
પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓને ખાત્મો કરવા દેશની સેના સક્ષમ છે. બહેનોના માથેથી સિંદૂર ઉજાડનાર આતંકીઓના બર્બર કૃત્યનો બદલો લેવાનું વડાપ્રધાનશ્રીએ દેશને આપેલુ વચન ભારતીય સેનાએ શૌર્ય અને વીરતા સાથે પૂર્ણ કર્યું છે, આતંકવાદીઓને પાળીપોષી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાની અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો છે.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, વોર્ડના સભ્યો, સંગઠન કાર્યકર્તાઓ અને દેશપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.