અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ, ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સંસ્થા કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા ઈતિહાસ, પુરાતત્વ, કલા અને સંશોધન ક્ષેત્રે કામ કરતા સંશોધકો અને કલાકારોને રાજ્યકક્ષાના “સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ” પ્રતિવર્ષે અર્પણ કરીને સન્માન કરવામાં આવે છે.
આજ સુધીમાં ગુજરાતમાંથી 36 ઇતિહાસવિદ્, પુરાતત્વવિદ્, કલાસમીક્ષક અને અનેકવિધ કલાઓના જ્ઞાતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2026ના આ એવોર્ડની જાહેરાત કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કરી છે.
ચાલુ વર્ષે આ એવોર્ડ મેળવનારાઓમાં ગુજરાતના વરિષ્ઠ પુરાતત્વવિદ્ અને ઈતિહાસકાર સંશોધક ડો. પ્રવીણચંદ્ર પરીખ, મંદિર સ્થાપત્યના જ્ઞાતા અને પુરાતત્વવિદ્ પ્રા. ડૉ. થોમસભાઈ પરમાર, ભારતીય સંસ્કૃતિના તજજ્ઞ અને ઈતિહાસકાર પ્રા. ડો. આર. ટી. સાવલિયા, સંગ્રહાલય અને હસ્તકલાવિદ્ રાગિણીબહેન વ્યાસ તથા ધાતુશિલ્પ કલાકાર જયંતીભાઈ સુથારનો સમાવેશ થાય છે.
દરેક એવોર્ડ વિજેતા સાધકોને સંસ્કૃતિ સંવર્ધક સન્માન-2026, માનપત્ર, શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રૂ. ૨૧,૦૦૦/– નું રોકડ માનધન સાથે શાલ-સરપાવ આપીને આગામી દિવસોમાં ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવશે.
એવું શ્રી રમણીક ઝાપડિયાએ જણાવ્યું હતું. આ એવોર્ડ તથા માનધન શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણીના સહયોગથી આપવામાં આવશે. આ પૂર્વે 36 કલાસર્જકો, સંશોધકોને આ એવોર્ડ ભુજ અને અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અપાઈ ચૂક્યા છે.
ગુજરાત રાજ્યના પૂર્વ સચિવ, સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી અને કલાતીર્થના પરામર્શક પી.કે. લહેરી સાહેબ, ગુજરાત રાજ્યના સનદી અધિકારી અને સાહિત્યસર્જક વસંતભાઈ ગઢવી, ગુજરાત વિશ્વકોશના અઘ્યક્ષ અને કલાતીર્થના પરામર્શક પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, કલાતીર્થના પરામર્શક અને મુંબઈના અગ્રણી કચ્છી ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ શાહ,
સામાજિકક્રાંતિના પ્રણેતા અને પરામર્શક કાનજીભાઈ ભાલાળા અને ભગિની દક્ષાબેન લાલસોંડાગર, મુંબઈ સાથે વિચાર-વિમર્શ કરીને આ પ્રકલ્પના સન્માનિત સાધકો જાહેર કરવામાં આવ્યા છે. કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ કલાવિષયક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા કલા–કસબ અને સાંસ્કૃતિક ગતિવિધિ અંગે સમૃદ્ધ કલાગંગોત્રી ગ્રંથશ્રેણી 32 પ્રસિદ્ધ કરવામાં આવી છે. વિસરતા જતા કલાસાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધનના હેતુથી દસ્તાવેજીકરણનું કાર્ય કરવામાં આવે છે. આ આયોજનમાં દક્ષાબહેન લાલ સોદાગરનો પણ સહયોગ સાંપડી રહ્યો છે.
સંસ્થા દ્વારા વર્ષ-ર૦ર૬ના “કલાતીર્થ સંશોધન પ્રકલ્પ-2026” અનુસાર સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યાપકો અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી બન્ને વિભાગોમાંથી શોધપત્રો માગવામાં આવ્યાં છે. જે પ્રક્રિયા 31 માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરીને ગુજરાતના તજજ્ઞો દ્વારા નિર્ણાયક ભૂમિકામાં કાર્ય કરવામાં આવશે અને વિજેતા સાથે પરિણામપત્રક મૂકવામાં આવશે.
સંશોધક, અધ્યાપક અને ઉચ્ચ અભ્યાસ કરતા વિજેતા વિદ્યાર્થીઓને રૂ.3,17,000/- ના રોકડ પુરસ્કારો જાહેર સમારંભ યોજી એનાયત કરવામાં આવશે. આ પ્રકલ્પમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાં સાંસ્કૃતિક કલા ક્ષેત્રે આ પ્રકારની પ્રોત્સાહક યોજના સર્વ પ્રથમ કલાતીર્થ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.
કલાતીર્થના અઘ્યક્ષ રમણીક ઝાપડિયાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ ૨૦૨૫-૨૬ ગુજરાતના જાણીતા સર્જક કલાવિવેચક, સંશોધક અને મુખ્ય કન્વીનર નિસર્ગ આહીર, અને કચ્છના સાહિત્ય સર્જક, ઈતિહાસ સંશોધક, પત્રકાર નરેશ અંતાણી આ સમગ્ર પ્રકલ્પનું સંચાલન અને સંકલન કરી રહ્યા છે.
















