પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં સુરક્ષિત રેલ સંચાલનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ચાર કર્મચારીઓને તેમની અસાધારણ સતર્કતા, કર્તવ્યનિષ્ઠા અને ત્વરિત નિર્ણયક્ષમતાના સન્માનરૂપે વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક શ્રી સી. આર. ગરુડાની ભલામણના આધારે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા દ્વારા ડીઆરએમ સુરક્ષા પુરસ્કાર (DRM Safety Award) એનાયત કરવામાં આવ્યો. આ સન્માન સમારોહ મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, ભાવનગર પરા ખાતે યોજાયો હતો, જ્યાં તમામ સન્માનિત કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અને મેડલ અર્પણ કરવામાં આવ્યા.
સન્માનિત કર્મચારીઓમાં શ્રી સુરેશ ડી. (ગેટમેન, જેતલસર), શ્રી સત્યજીત પાંડે (ગેટમેન, અલમપર), શ્રી જયેશ વી. ચૌહાણ (પોઈન્ટ્સમેન, વરતેજ) તથા સુશ્રી હેમવર્ષા એન. (પી. મેન, ગોંડલ) નો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓએ ફરજ દરમિયાન પોતાની સતર્કતા અને ત્વરિત કાર્યવાહી દ્વારા સંભવિત રેલ દુર્ઘટનાઓને ટાળી સુરક્ષિત રેલ સંચાલનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મંડળ રેલ પ્રબંધકે પુરસ્કાર વિજેતા કર્મચારીઓની પ્રશંસા કરતાં તેમને ભાવનગર મંડળના તમામ રેલવે કર્મચારીઓ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા. તેમણે કહ્યું કે કર્મચારીઓની ફરજનિષ્ઠા, સતર્કતા અને સેવા પ્રત્યેનું સમર્પણ સુરક્ષિત રેલ સંચાલનની સૌથી મજબૂત આધારશિલા છે.
શ્રી સુરેશ ડી. એ 27 માર્ચ, 2026ના રોજ સમપાર ફાટક નં. 62/સી પર ફરજ દરમિયાન ટ્રેન નં. 59557 પોરબંદર–ભાવનગરના એન્જિનની નીચે ગિયર બોક્સની ભારે લોખંડી પિન લટકતી હોવાનું જોયું. તેમણે તરત જ જોખમનો હાથ સંકેત આપી સ્ટેશન માસ્ટરને જાણ કરી. ત્વરિત કાર્યવાહી કરીને સંબંધિત કર્મચારીઓએ પિનને સુરક્ષિત રીતે બાંધી ટ્રેનનું સલામત સંચાલન સુનિશ્ચિત કર્યું. તેમની સતર્કતાના કારણે સંભવિત દુર્ઘટના ટળી.
શ્રી સત્યજીત પાંડેય એ 11 મે, 2026ના રોજ અલમપર સ્ટેશન પર ફરજ દરમિયાન પસાર થતી માલગાડીના 35મા વેગનમાં લટકતો ભાગ જોયો. તેમણે તરત જ જોખમનો સંકેત આપી સ્ટેશન માસ્ટરને જાણ કરી. સમયસર ટ્રેન રોકી ખામી દૂર કરવામાં આવી અને ત્યારબાદ ટ્રેનને સુરક્ષિત રીતે આગળ રવાના કરવામાં આવી. તેમની સૂઝબૂઝ અને તત્પરતાએ સંભવિત દુર્ઘટના ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
શ્રી જયેશ વી. ચૌહાણ એ 3/4 મે, 2025ના રોજ ટ્રાફિક ફાટક નં. 214/સી પર ફરજ દરમિયાન વરતેજ સ્ટેશનની લાઇન નં. 3 પર રેલ ફ્રેક્ચર (Rail Fracture) જોયું. તેમણે વિલંબ કર્યા વગર સ્ટેશન માસ્ટરને જાણ કરી, જેના પગલે સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક મરામત કરીને સંભવિત ગંભીર રેલ દુર્ઘટના ટાળી.
સુશ્રી હેમવર્ષા એન. એ 13 જૂન, 2026ના રોજ ગોંડલ સ્થિત સમપાર ફાટક નં. 48-બી પર ફરજ દરમિયાન એક માલગાડીના બે વેગનમાં અસામાન્ય સ્પાર્કિંગ જોયું. તેમણે તરત જ વિરપુરના ડેપ્યુટી સ્ટેશન માસ્ટરને જાણ કરી. તપાસ દરમિયાન એક વેગનમાં બ્રેક બાઈન્ડિંગ તથા બીજા વેગનમાં મેટલ ડિપોઝિટ હોવાનું જાણવા મળ્યું. સમયસર ખામી દૂર કરીને ટ્રેનને સુરક્ષિત રીતે રવાના કરવામાં આવી.
તેમની સતર્કતા અને ફરજનિષ્ઠાએ સંભવિત દુર્ઘટના ટાળવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ તમામ સન્માનિત કર્મચારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે સુરક્ષા પ્રત્યે સતર્ક અને સમર્પિત કર્મચારીઓ જ ભારતીય રેલવેની સૌથી મોટી શક્તિ છે. તેમણે તમામ કર્મચારીઓને ભવિષ્યમાં પણ આવી જ સતર્કતા, શિસ્ત અને ઉત્તમ કાર્યસંસ્કૃતિ સાથે સુરક્ષિત રેલ સંચાલનમાં યોગદાન આપવાનું આહ્વાન કર્યું.
પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ પોતાના કર્મચારીઓની સતર્કતા, ત્વરિત નિર્ણય ક્ષમતા અને જવાબદારીપૂર્ણ કાર્યશૈલીની હંમેશા કદર કરે છે. આવા સમર્પિત કર્મચારીઓના પ્રયાસો માત્ર સુરક્ષિત રેલ સંચાલનને વધુ મજબૂત બનાવે છે એટલું જ નહીં, પરંતુ મુસાફરો, રેલવે સંપત્તિ તથા રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ અવસરે અપર મંડળ રેલ પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા તેમજ મંડળના તમામ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















