bhavnagar

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

ખેડૂતોની સુરક્ષા, સામાજિક એકતા અને જળસંચય પર ચર્ચા

ઉમરાળાના ધોળા ગામે ખેતરમાં પશુઓ ચરાવી ભેલાણ કરવાના બનાવ બાદ પાટીદાર સેવા સંઘ દ્વારા પાટીદાર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતથી પાટીદાર સેવા સંઘના આગેવાનો સહિત અંદાજે ૨૫ કારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ધોળા ગામના બાબુભાઈ નાવડીયાના ખેતરમાં વિપુલભાઈ ગલાણી અને ભરતભાઈ ગલાણી દ્વારા પશુઓ ચરાવી ભેલાણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં આશરે રૂ. ૭૦ હજારનું નુકસાન થયાનો આક્ષેપ છે. આ મામલે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

આ ઘટનાને કેન્દ્રમાં રાખીને યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં પાટીદાર સેવા સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભેલાણ જેવા બનાવો માટે કાયદામાં વધુ કડક જોગવાઈઓ થાય તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, પાટીદાર સમાજના પ્રશ્નો અને ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે સ્થાનિક સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો સમાજ એક થઈને અસામાજિક તત્વો સામે કાયદાકીય રીતે ઊભો રહેશે, તો સમાજના કોઈ વ્યક્તિ કે ખેડૂતને અન્યાય સહન કરવો નહીં પડે.

સૌરાષ્ટ્રના ગામડાઓમાં બનતી ઘટનાઓ અંગે સમાજના લોકોને સહાય મળી રહે તે માટે એક સ્થળે જમીન મેળવી ‘સમાજ સુરક્ષા ભવન’ બનાવવાનો સંકલ્પ પણ કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે, આ પ્રયાસનો હેતુ કોઈ સમાજ કે વ્યક્તિ સામે વિરોધ કરવાનો નથી,

પરંતુ ગામડાઓને જીવંત રાખવા અને ખેડૂતોના હિત માટે સંગઠિત પ્રયાસ કરવાનો છે. ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરતાં આગેવાનોએ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિની ઈચ્છા વિના તેની વાડી કે ખેતરમાં પશુઓ ચરાવી ભેલાણ કરવામાં આવે તો તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ.

ફરિયાદ કરતા ડરવાની જરૂર નથી તેવી પણ અપીલ કરવામાં આવી હતી. આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ અને સરકાર દ્વારા અસામાજિક તત્વો સામે સારી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ ઘટના બને ત્યારે ફરિયાદ નોંધાવવી અત્યંત જરૂરી છે. ફરિયાદ કરવામાં આવશે તો જ પોલીસ તથા સરકારની મદદ અસરકારક રીતે મળી શકે છે. ભાવનગર જિલ્લામાં ખેડૂતો સાથે ભેલાણના બનાવો સહિતની સમસ્યાઓ સામે સમાજે એક થઈને કાયદાકીય રીતે અવાજ ઉઠાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં ધનાબાપા જગ્યાના મહંત બાબુરામ બાપુ, પાટીદાર સેવા સંઘના અગ્રણી વિજયભાઈ માંગુકીયા, ભા.ડિ.કો.ના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયા, ચિરાગભાઈ નાવડીયા, મહેશભાઈ કાજવદરા, રાજુભાઈ ભીંગરાડિયા, હિંમતભાઈ ભીંગરાડિયા, ભારતીબેન ભીંગરાડિયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

સદગુરુ બજરંગદાસબાપાનો ગુરૂઆશ્રમ ભાવ - શ્રદ્ધા સાથે ભક્તોના માનવ મહેરામણથી છલકાયો…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *