સમાજના ૮૩૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન અને સાંસદની ઉપસ્થિતિમાં નીકળી વિશાળ રેલી
વલભીપુર તારીખ 30
વલભીપુર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા અમદાવાદ હાઈવે રોડ પર આવેલા ફાકડાનાથ ઇન્ડસ્ટ્રીઝ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ ‘વિદ્યાર્થી સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના ૮૩૦ તેજસ્વી વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલ બેગ તેમજ આકર્ષક મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે રાજ્યસભાના સાંસદ અને ગીર સોમનાથના વતની માનસિંહભાઈ પરમારનું વલભીપુર કારડીયા રાજપૂત સમાજ ભવન ખાતે સાફો પહેરાવીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાંથી કાર્યક્રમ સ્થળ સુધી ખુલ્લી જીપમાં એક વિશાળ રેલી યોજાઈ હતી, જે વલભીપુરના મુખ્ય બજારમાંથી પસાર થઈ સભાસ્થળે પહોંચી હતી.
કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ લાભુભાઈ સોલંકી દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સમારોહમાં મુખ્ય દાતા શ્રી આશીર્વાદ ફર્નિચર (જયરાજસિંહ સોલંકી) તથા કિટના દાતા ભગીરથસિંહ અનોપસિંહ સોલંકીનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. આ ઉપરાંત, વિદેશથી MBBS પૂર્ણ કરી FMGE પરીક્ષા પાસ કરનાર અને ભારત સરકારની એજન્સી દ્વારા પસંદગી પામેલા ડૉ. મોહિતસિંહ મોરી, સરકારી નોકરી મેળવનાર પ્રતિભાઓ, તાલુકા-નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પત્રકાર મિત્રોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગીર સોમનાથનું ગૌરવ અને રાજ્યસભા સાંસદ માનસિંહભાઈ પરમાર મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વલભીપુર કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ ભુપતસિંહ પરમાર, વિકાસ મંડળના પ્રમુખ નારણભાઈ મોરી, સમાજ અગ્રણી અભયસિંહ ચૌહાણ, વલભીપુર તાલુકા પંચાયતના પ્રમુખ આશાબા જયદેવસિંહ હાડા, અને સુરત શહેર કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ દિલીપસિંહજી ઉદયસિંહજી પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં વાલીઓ, માતા-બહેનો, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઈનામ વિતરણ કાર્યક્રમની આભાર વિધિ જામસંગભાઈ મોરી દ્વારા કરવામાં આવી હતી. અંતમાં સૌ સમાજજનોએ સમૂહ ભોજન લીધા બાદ સમારોહ સંપન્ન થયો હતો.
તસ્વીર ધર્મન્દ્રસિંહ સોલંકી વલભીપુર
















